News of Friday, 29th November 2024
રઘુવંશી મહિલા મંડળઃ રઘુવંશી મહિલાઓને આત્મનિર્ભર કરવા સતત કાર્યરત
૩ર વર્ષથી મહિલાઓને પગભર કરવા માટે કાર્યશીલ : જયંતીભાઇ કુંડલીયા, ડો.હર્ષદભાઇ ખખ્ખર સહિત અનેક આગેવાનોનો સહયોગઃ વિણાબેન પાંધી

રાજકોટ, તા., ૨૯: રાજકોટ શહેરમાં રઘુવંશી મહિલા મંડળ દ્વારા સમાજના બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. રઘુવંશી મહિલા મંડળની સ્થાપના તા.ર૯-૧૧-૧૯૯રના રોજ કરવામાં આવી હતી. અને છેલ્લા ૩ર વર્ષથી રઘુવંશી મહિલા મંડળ મહિલાઓના હિત માટે સતત કાર્યરત છે.
રઘુવંશી મહિલા મંડળના સ્થાપક પ્રમુખ ડો.દમયંતીબેન ગણાત્રા, મંત્રી વીણાબેન પાંધી, ઉપપ્રમુખ જશુમતીબેન વસાણી અને ઇન્ટરનેશનલ ઓડીટર ઇન્દુબેન શિંગાળા સહિતના કાર્યરત હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
મહિલા મંડળના સ્થાપના તા. ર૯-૧૧-૧૯૯રના રોજ લોહાણા બોડીંગ રાજકોટ ખાતે તે સમયના મહાજન પ્રમુખ સ્વ. રાજેન્દ્રભાઇના ધર્મપત્ની વિણાબેન રાયાના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. અને ત્યારથી અનેકવિધ સેવાકાર્યોનો ધમધમાટ શરૂ થયો છે.
સંસ્થાના પ્રારંભ સમયે સ્વ. જયંતીભાઇ કુંડલીયા પણ ઉપસ્થિત રહયા હતા અને કહયું હતું કે બહેનોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટેની પ્રવૃતિઓ ચાલુ રાખો અમે સહકાર આપીશું.
પ્રથમ કાર્યક્રમ કરણપરા ખાતે આવેલી વાડીમાં યોજાયો હતો. અંતાક્ષરીના આ કાર્યક્રમમાં ડો.પ્રવિણભાઇ સેદાણી, ડો.નીપાબેન પાંધી, નયનાબેન પાંધીએ અંતાક્ષરી રમાડી હતી.
ત્યાર બાદ સાંગણવા ચોક ખાતેની મહાજન વાડીમાં મહેંદી હેર સ્ટાઇલ સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેનું સંચાલન રીટાબેન જોબનપુત્રા, ર઼ંજનબેન કોટક, રંજનબેન પોપટે કર્યુ હતું.
૧૯૯૮માં રાજકોટમાં તે વખતે અન્ય ૧૬ મંડળો હતા. જેમાં લેડીઝ કલબ, અખીલ હિન્દ મહિલા પરીષદ, સહીત તમામ મંડળના કારોબારી સભ્યો સાથે આખા દિવસની શિબીર યોજાઇ હતી. જેમાં સાંજે ચા-નાસ્તો અને તમામ બહેનોને ગિફટ આપવામાં આવી હતી. આ તકે લોહાણા મહાજન પ્રમુખ જયંતીભાઇ કુંડલીયા, મુળજીભાઇ, ભગવાનજીભાઇ નથવાણી, ડો. હર્ષદભાઇ ખખ્ખરનો સાથ સહકાર મળતા સંસ્થાએ આભાર વ્યકત કર્યો હતો.
૧૯૯ર માં માત્ર પ૦ સભ્યોથી શરૂ થયેલ સંસ્થા ૧૯૯૮ માં ૧૦૦ સભ્યોની સંખ્યાએ પહોંચી ગઇ હતી. બહેનોને પગભર કરવા માટે સિલાઇ કામ બ્યુટી પાર્લર, બેન્કીંગ પધ્ધતિ સહિત મુદ્્ે માર્ગદર્શન આપવામાં આવતુ હતું.
જયંતીભાઇ કુંડલીયાએ બહેનો અને વિધવા મહિલાઓને કામ મળે તે માટે રેડીમેઇડ ચણીયા, પીલો કવર સહિતની વસ્તુએ બનાવનારા-વેંચનારા દુકાનદારો અને વેપારીઓનો સંપર્ક કરીને મહિલાઓને કામ અપાવતા હતાં.
આ ઉપરાંત અથાણા, સરબતનું ઉત્પાદન કરીને અનેક બહેનો પગભર થયા છે. અને નાણાકીય રીતે સધ્ધર પણ થયા છે.
બહેનો દ્વારા આખુ વર્ષ ચાલે તે માટે બટેટાની વેફર, સાબુદાણાની વેફર - ચકરી બનાવીને ઘરે બેઠા કમાણી કરે છે.
આ માટે સ્વ. જયંતીભાઇ કુંડલીયા, ભગવાનજીભાઇ નથવાણી, હર્ષદભાઇ ખખ્ખરનો વારંવાર સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે.
રઘુવંશી બહેનો માટે રાસ-ગરબાનું આયોજન લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૧પ૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. અને તમામને ઇનામ, લ્હાણી અને નાસ્તો લોહાણા મહાજન તરફથી અપાયો હતો.
સ્વ. અમુભાઇ ઘેલાણી, અને સ્વ. હરકિશોરભાઇ બચ્છા તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
ર૦ર૦ થી જશુમતીબેન વસાણી ખૂબ જ સુંદર રીતે મંડળ ચલાવી રહ્યા છે. તેમાં સ્થાપક પ્રમુખ દમયંતીબેન ગણાત્રા, વિણાબેન પાંધી, ઇન્દુબેન શિંગાળાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
રાજકોટમાં પ્રથમ વખત સમર ટ્રેનીંગનું આયોજન લોહાણા બોર્ડીંગ ખાતે થયું હતું. જેમાં મેનાબેન તન્નાએ વેડીંગ ડેકોરેશન, બ્યુટી પાર્લર, મહેંદી, સિલાઇ કામ, ભરત ગુંથણ, સહિતનું માર્ગદર્શન અપાયું હતું.
તે સમયના બોર્ડીંગના પ્રમુખ સ્વ. હરકાન્તભાઇ માણેક, હીરાભાઇ માણેક સહિતાએ સહયોગ આપ્યો હતો તેમ વિણાબેન પાંધીએ જણાવ્યું છે.
વિણાબેન પાંધી
(4:11 PM IST)










