તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
નોકરીએ જઇ રહેલા આંબેડકરનગરના ૬૩ વર્ષિય મુળજીભાઇ દાફડાનું ‘હિટ એન્ડ રન'માં મૃત્યુ થયું
આસ્થા ચોક ડો. આંબેડકર સર્કલ નજીક બેસતા વર્ષની વહેલી સવારે બનાવ સિક્યુરીટી ગાર્ડ તરીકે મવડીમાં નોકરી કરતાં હતાં: સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં શોકઃ માલવીયાનગર પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ આદરી

રાજકોટ તા. ૧૨: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ આસ્થા ચોક ડો. આંબેડકર સર્કલ નજીક બેસતા વર્ષની સવારે હિટ એન્ડ રનના બનાવમાં ઘાયલ થયેલા આંબેડકરનગરના વૃધ્ધનું ભાઇબીજના દિવસે સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેઓ સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતાં હોઇ મવડી નોકરીએ જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં. ૭માં રહેતાં મુળજીભાઇ પ્રેમજીભાઇ દાફડા (ઉ.વ.૬૩) તા. ૧૦ના સવારે ઘરેથી ચાલીને મવડી તરફ જવા નીકળ્યા ત્યારે ડો. આંબેડકર સર્કલ પાસે પહોંચ્યા તે વખતે અજાણ્યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થઇ હતી.
બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન મૃતકના સ્વજનોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. પણ સારવાર દરમિયાન ભાઇબીજની રાતે મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર મુળજીભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને ચાર દિકરી છે. પોતે મવડીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હોઇ બનાવ વખતે નોકરી પર જતાં હતાં ત્યારે આ ઘટના બની હતી. મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકને શોધવા સીસીટીવી ફુટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું.
(12:25 PM IST)










