તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Saturday, 21st November 2026
મુંબઈમાં બાબાસાહેબ આંબેડકરના ભવ્ય સ્મારકનું કામ અટક્યું
વધારાના ૩૫૦ કરોડની મંજૂરીના અભાવે છ મહિનાથી પ્રતિમાનું બાંધકામ બંધ પડયું છેઃ તાંબા-કાંસાના ભાવ વધતાં પ્રોજેક્ટનો ખર્ચ ૧૨૦૦ કરોડને પાર જવાની શક્યતાઃ સ્મારક પૂર્ણ થતાં હજુ બે વર્ષ લાગશે : સ્મારકમાં બાબાસાહેબ આંબેડકરની ૩૫૦ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત થશેઃ તેની નીચે ૧૦૦ ફૂટ ઊંચો આધારસ્તંભ બનશેઃ સ્મારકની કુલ ઊંચાઈ ૪૫૦ ફૂટઃ પુસ્તકાલય, સંગ્રહાલય અને વિશાળ સભાખંડ સહિત સુવિધાઓનું બાંધકામ ૯૫ ટકા પૂર્ણઃ મુખ્ય પ્રતિમાનું કામ અટકી ગયું છે

મુંબઈ, તા. ૨૧: દેશના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી ઇન્દુ મિલની જમીન ઉપર નિર્માણાધીન ભવ્ય સ્મારકનું કામ નાણાકીય અને વહીવટી અવરોધોને કારણે ખોરવાયું છે.
તાંબા અને કાંસા જેવી ધાતુઓના ભાવમાં ભારે વધારો થતાં કોન્ટ્રાક્ટરે વધારાના ૩૫૦ કરોડ રૂપિયાની માગણી કરી છે. જોકે મહારાષ્ટ્ર સરકારે છેલ્લા છ મહિનાથી આ દરખાસ્તને મંજૂરી આપી નથી. પરિણામે બાબાસાહેબની વિશાળ પ્રતિમાનું બાંધકામ અટકી પડ્યું છે અને ચાલુ વર્ષે પૂર્ણ થનારું સ્મારક હવે વધુ બે વર્ષ વિલંબમાં મુકાવાની શક્યતા ઊભી થઈ છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૧૮માં આશરે ૭૬૩થી ૭૮૩ કરોડ રૂપિયાનું કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાંધકામની ડિઝાઇનમાં ફેરફાર અને કાચા માલના ભાવ વધતાં અંદાજિત ખર્ચ વધીને ૧૦૮૯ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. હવે વધારાના ખર્ચને ધ્યાનમાં લેતાં સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ૧૨૦૦ કરોડ રૂપિયાને પાર જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્મારકમાં બાબાસાહેબ આંબેડકરની ૩૫૦ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના છે. તેની નીચે ૧૦૦ ફૂટ ઊંચો આધારસ્તંભ બનાવવામાં આવશે. આમ સ્મારકની કુલ ઊંચાઈ ૪૫૦ ફૂટ થશે. સ્મારક સંકુલમાં પુસ્તકાલય, સંગ્રહાલય અને વિશાળ સભાખંડ સહિતની સુવિધાઓનું માળખાકીય બાંધકામ લગભગ ૯૫ ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ મુખ્ય પ્રતિમાનું કામ અટકતાં સમગ્ર પ્રોજેક્ટના લોકાર્પણ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
અહેવાલો અનુસાર પヘમિ એશિયામાં યુદ્ધ અને ભૂરાજકીય તણાવને કારણે ધાતુઓના ભાવ વધતાં જૂના કરાર મુજબ કામ ચાલુ રાખવું કોન્ટ્રાક્ટર માટે મુશ્કેલ બન્યું છે. વધારાનો ખર્ચ ચૂકવવાની દરખાસ્ત સરકાર સમક્ષ છ મહિનાથી પડતર છે.
ઉલ્લેખનીય છે કે આ સ્મારક માટે ઇન્દુ મિલની ૧૨ એકર જમીન ફાળવવાની પ્રક્રિયા વર્ષ ૨૦૧૨માં શરૂ થઈ હતી. વર્ષ ૨૦૧૫ની ૧૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ સ્મારકના કામમાં સતત વિલંબ થતાં વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે. બાબાસાહેબ આંબેડકરના પરિવારના આનંદરાજ આંબેડકરે પણ વિલંબ સામે નારાજગી વ્યક્ત કરી છે. જોકે રાજ્યના મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ સરકાર જરૂરી નાણાંની વ્યવસ્થા કરીને સ્મારકનું કામ શક્ય તેટલું વહેલું પૂર્ણ કરશે તેવી ખાતરી આપી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
