તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો, સંઘર્ષો અને માનવજાતની તમામ સમસ્યાઓના મૂળમાં અહંકાર અને કરુણાનો અભાવ છે : માત્ર આર્થિક સમૃદ્ધિ અને લશ્કરી શક્તિથી વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપી શકાશે નહીં : મોહન ભાગવતજી
ચમત્કાર વિના નમસ્કાર નહીં કરવાની મનુષ્યની માનસિકતા : ભગવાન રામ, કૃષ્ણ, પરશુરામ, બુદ્ધ અને સ્વામી વિવેકાનંદનાં ઉદાહરણો સાથે સરસંઘચાલકે સમજાવ્યું જીવનદર્શન : સમગ્ર વિશ્વમાં કરુણાનો સંદેશ પહોંચાડવાની હવે ભારતની જવાબદારી છે

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે વિશ્વમાં વધતા યુદ્ધો, પરસ્પર દ્વેષ, અહંકાર, સ્વાર્થ અને માનવીય સંવેદનાઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વની સમસ્યાઓનું મૂળ કરુણાના અભાવમાં રહેલું છે. ભગવાન શ્રીરામના જીવનમાંથી કરુણા, ત્યાગ, મર્યાદા અને લોકકલ્યાણની ભાવના આત્મસાત કરવાની આજે માનવજાતને વિશેષ જરૂર છે.
ગઈકાલે શુક્રવાર તા. ૨૭ નવેમ્બરે નવી દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રના ભીમ સભાગૃહમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના નવા હિન્દી પુસ્તક ‘કરુણાનાયક રામ’ના વિમોચન પ્રસંગે મોહન ભાગવતે આ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ સમારોહમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ભૂટાનની રાજકુમારી સોનમ દેચેન વાંગચુક અને તેમનાં માતા આશી દોર્જી વાંગમો વાંગચુક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રામ અને રાવણ વચ્ચે મૂળભૂત તફાવત શું હતો?
મોહન ભાગવતે જણાવ્યું હતું કે રાવણ અહંકારી હતો, જ્યારે ભગવાન શ્રીરામ કરુણાના સાક્ષાત્ સ્વરૂપ હતા. અહંકાર એટલે ‘હું અને મારું’ની સંકુચિત ભાવનામાંથી બહાર નીકળી ન શકવાની માનસિકતા. મનુષ્ય જ્યાં સુધી આ ભાવનાથી ઉપર ઊઠતો નથી ત્યાં સુધી સમગ્ર સૃષ્ટિ સાથેની પોતાની એકાત્મતાનો અનુભવ કરી શકતો નથી.
દુનિયાના લોકોનો રંગ, રૂપ, વાણી, રહેણીકરણી, ખાનપાન અને વ્યવહાર ભલે જુદાં હોય, પરંતુ આંતરિક રીતે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આ એકાત્મતા જ શાશ્વત સત્ય છે. સમગ્ર વિશ્વ અને પ્રકૃતિ સુખી નહીં હોય તો કોઈ એક વ્યક્તિ કે રાષ્ટ્ર સાચા અર્થમાં સુખી રહી શકશે નહીં.
ચમત્કાર નહીં તો નમસ્કાર નહીં : મનુષ્યની માનસિકતા
સંઘના વડાએ જણાવ્યું હતું કે મનુષ્યનો સામાન્ય સ્વભાવ એવો છે કે જ્યાં સુધી તેને કોઈ ચમત્કાર જોવા મળતો નથી ત્યાં સુધી તે કોઈના પ્રત્યે શ્રદ્ધાથી નતમસ્તક થતો નથી. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન બુદ્ધને પણ પોતાના જીવનમાં કેટલાક ચમત્કારો દર્શાવવા પડ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
જોકે દુનિયામાં અનેક એવી મહાન આત્માઓ આવી અને પોતાનું કર્તવ્ય નિભાવીને ચાલી ગઈ, જેમણે કોઈ ચમત્કાર કર્યો નહોતો. મહાપુરુષનું મૂલ્યાંકન માત્ર તેમની સિદ્ધિઓ કે ચમત્કારોને આધારે નહીં, પરંતુ તેમના આંતરિક વ્યક્તિત્વ અને ગુણોને આધારે થવું જોઈએ.
પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધનાં ઉદાહરણો
ભાગવતજીએ પૌરાણિક અને ધાર્મિક સંદર્ભો આપતાં જણાવ્યું હતું કે ભગવાન પરશુરામે ૨૧ વખત પૃથ્વીને ક્ષત્રિયોથી રહિત કરી હોવાનું વર્ણન છે, જ્યારે ભગવાન બુદ્ધે સંપૂર્ણ અહિંસાનો સંદેશ આપ્યો હતો. ભગવાન શ્રીરામ એકપત્નીવ્રતધારી હતા, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને ૧૬,૧૦૮ પત્નીઓ હોવાનું ધાર્મિક વર્ણન છે.
આ તમામ મહાપુરુષોનાં કાર્યો અને જીવનશૈલી અલગ હોવા છતાં તેઓ ધર્મની સ્થાપના કરનારા માનવામાં આવે છે. તેથી ધર્મને સમજવા માટે માત્ર બાહ્ય કાર્યોને નહીં, પરંતુ તેની પાછળ રહેલા ભાવ અને વ્યક્તિત્વને સમજવું જરૂરી છે. વ્યક્તિ શું કાર્ય કરે છે તે ઘણી વખત તેની પરિસ્થિતિ અને નિયતિ ઉપર પણ આધારિત હોય છે.
સ્વામી વિવેકાનંદના જીવનદર્શનનો ઉલ્લેખ
ભાગવતજીએ સ્વામી વિવેકાનંદના વિચારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધ, શ્રીકૃષ્ણ અને ઈસુ ખ્રિસ્ત જેવા અથવા તેમનાથી પણ અનેકગણા પ્રભાવશાળી મહાપુરુષો આ દુનિયામાં આવ્યા હશે, પરંતુ તેમના વિશે આપણને કોઈ જાણકારી નહીં હોય.
તેમણે સ્વામી વિવેકાનંદની ધર્મ અંગેની વ્યાખ્યા સમજાવતાં જણાવ્યું હતું કે ધર્મનો અર્થ પોતાના અસ્તિત્વને ઓળખવું અને સતત વધુ ઉત્તમ બનતા રહેવું એવો થાય છે. માણસે જીવનમાં શું મેળવ્યું તેના કરતાં તે કેવો માણસ બન્યો છે તે વધુ મહત્વનું છે.
માત્ર પૈસા અને લશ્કરી શક્તિથી શાંતિ નહીં મળે
મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભૌતિક પ્રગતિ અને આધુનિક સુવિધાઓમાં વધારો થવા છતાં વિશ્વમાં અસંતોષ, અસુરક્ષા, પરસ્પર વૈમનસ્ય અને યુદ્ધો વધી રહ્યાં છે. માત્ર આર્થિક સમૃદ્ધિ, લશ્કરી શક્તિ કે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓથી કાયમી શાંતિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
મનુષ્યે પોતાની સ્વાભાવિક સંવેદનશીલતા પુનઃ પ્રાપ્ત કરવી પડશે. સમગ્ર માનવજાત, પર્યાવરણ અને પ્રકૃતિને સાથે લઈને ચાલવાની ભાવના વિકસાવવી પડશે. અહંકારનો ત્યાગ અને કરુણાનો સ્વીકાર કર્યા વિના સાચા સુખ અને શાંતિની કલ્પના શક્ય નથી.
કરુણાના વૈશ્વિકીકરણની જરૂર : હવે વિશ્વને આપવાનો ભારતનો વારો
સરસંઘચાલકે જણાવ્યું હતું કે કરુણાના વૈશ્વિકીકરણનો વિચાર તેમણે સૌપ્રથમ કૈલાશ સત્યાર્થી પાસેથી સાંભળ્યો હતો. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વને તેની અત્યંત જરૂર છે. બીજાનું દુઃખ જોઈને તેને દૂર કરવાની જે સ્વાભાવિક ભાવના આપણા અંતરમાં જન્મે છે તે જ કરુણા છે.
ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં કરુણાને ધર્મના શાશ્વત સ્વરૂપ તરીકે જોવામાં આવી છે. હવે પોતાની સાંસ્કૃતિક પરંપરા અને માનવીય મૂલ્યોનો લાભ સમગ્ર વિશ્વને આપવાનો ભારતનો વારો છે તેમ તેમણે જણાવ્યું હતું.
ભગવાન રામની માત્ર પૂજા નહીં, તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની જરૂર
પુસ્તકના લેખક કૈલાશ સત્યાર્થીએ જણાવ્યું હતું કે બાળપણમાં પિતા સાથે તુલસીદાસજીની રામચરિતમાનસનું વાંચન કરીને તેમણે ભગવાન રામના આદર્શોને આત્મસાત કર્યા હતા. શ્રીરામના વ્યક્તિત્વનું સૌથી મહત્વપૂર્ણ અને વ્યવહારિક પાસું તેમની કરુણા છે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે શક્તિની સાથે કરુણા અને સંવેદના જોડાય ત્યારે જ શક્તિ સાર્થક બને છે. ભૂટાનની રાજકુમારીએ પણ કરુણા નબળાઈ નહીં, પરંતુ શક્તિ હોવાનું જણાવી કૈલાશ સત્યાર્થીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રભાત પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં ભગવાન શ્રીરામના કરુણામય વ્યક્તિત્વ અને વર્તમાન યુગમાં તેમના જીવનદર્શનની પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
