તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી ભારે પડી: કુલગામ CRPF હુમલા અંગે નકલી સમાચાર પોસ્ટ કરનાર યુવકની બાંદીપોરાથી ધરપકડ
બાંદીપોરા વાલા" નામના ફેસબુક પેજ પર ત્રણ જવાનોના શહીદ થવાની ભ્રામક પોસ્ટ મૂકનારા મોમિન ઉલ ઇસ્લામ સામે પોલીસે કડક કાર્યવાહી કરી : નકલી સામગ્રી હટાવીને ખીણમાં શાંતિ ડહોળવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી માહિતી અને અફવાઓ ફેલાવીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. બાંદીપોરા પોલીસે કુલગામમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર થયેલા તાજેતરના આતંકી હુમલા અંગે ભ્રામક સમાચાર ફેલાવવાના આરોપસર 'મોમિન ઉલ ઇસ્લામ' નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ઉત્તર કાશ્મીરના ગુંડ ડાચીના વિસ્તારનો રહેવાસી મોમિન "બાંદીપોરા વાલા" નામનું ફેસબુક પેજ ચલાવતો હતો, જેના પર તેણે ૧૧ નવેમ્બરના હુમલામાં ત્રણ CRPF જવાનો માર્યા ગયા હોવાનો ખોટો દાવો કર્યો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક FIR દાખલ કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને ફેસબુક પરથી આ વાંધાજનક પોસ્ટ પણ દૂર કરાવી દીધી છે.
પોલીસ પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારની પાયાવિહોણી અને ભ્રામક માહિતી જનતામાં બિનજરૂરી ગભરાટ ફેલાવી શકે છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય છે. વાસ્તવમાં, ૧૧ નવેમ્બરના રોજ કુલગામના મીર બજાર નજીક બે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ CRPF ચોકી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા, કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘાયલ જવાનોને તાત્કાલિક અનંતનાગની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પેટમાં ગોળી વાગવાથી એક જવાનની હાલત ગંભીર છે, જ્યારે અન્ય બે જવાનોને હાથ અને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે.
આ આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે અને વધારાના બેરિકેડ લગાવીને ફરાર આતંકવાદીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન તેજ કરાયું છે. ઘટના સમયે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ કુલગામમાં હાજર હતા, જોકે તેઓ હુમલાના સ્થળથી સુરક્ષિત અંતરે હતા. બીજી તરફ, આ ઘટનાના બીજા જ દિવસે કિશ્તવાડ જિલ્લાના દૂરના ડાચ્ચન જંગલ વિસ્તારમાંથી બે સ્પેશિયલ પોલીસ અધિકારીઓ ના ગોળીઓથી વિંધાયેલા મૃતદેહ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર આવતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
