<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

શરદ પવાર પર આકરા પ્રહારથી સુપ્રિયા સુલે લાલઘુમઃ ઈન્‍ડિયા ગઠબંધનની બેઠકમાં ન જોડાયાં

સીમાંકન બિલ પરના રાજકીય ઘમાસાણ વચ્‍ચે કોંગ્રેસ અને શરદ પવારની NCP વચ્‍ચે તિરાડ વધુ ઊંડી બની

મુંબઈ, તા.૨૮: મહારાષ્‍ટ્રના રાજકારણમાં કોંગ્રેસ અને શરદ પવારની રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્‍ચેનો ખટરાગ હવે જાહેરમાં સપાટી પર આવી ગયો છે. મહારાષ્‍ટ્ર સદન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વાડેટ્ટીવારે શરદ પવાર પર સીધો શાબ્‍દિક હુમલો કરતાં કહ્યું કે પવારે ભલે આખી જિંદગી પ્રગતિશીલ ચળવળ સાથે વિતાવી હોય, પરંતુ તેમનો પીઠમાં છરા મારવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. વાડેટ્ટીવારે તીખા શબ્‍દોમાં આરોપ લગાવ્‍યો કે શરદ પવાર સત્તા વિના એક પળ પણ રહી શકતા નથી અને સત્તા જાળવી રાખવી એ જ તેમની રાજકીય રણનીતિનો હિસ્‍સો રહી છે. આ વિવાદાસ્‍પદ નિવેદનથી પવાર પરિવાર અને એનસીપી છાવણીમાં ભારે રોષ ફેલાયો છે અને તેની સીધી અસર વિપક્ષી ઈન્‍ડિયા ગઠબંધનની એકતા પર જોવા મળી છે.

વિજય વાડેટ્ટીવારના આ નિવેદનથી એટલા નારાજ થયાં કે સાંસદ સુપ્રિયા સુળેએ ઈન્‍ડિયા ગઠબંધનની ઓનલાઈન બેઠકમાં પણ ભાગ લેવાનું ટાળ્‍યું હતું. વાડેટ્ટીવારે સીમાંકન બિલને દેશમાં સરમુખત્‍યારશાહી લાવવાનો પ્રયાસ ગણાવતાં ચિંતા વ્‍યક્‍ત કરી હતી કે લોકશાહીને નબળી પાડનારાઓની યાદીમાં શરદ પવારનું નામ પણ જોડાય તેવી સ્‍થિતિ સર્જાઈ રહી છે, જે તેમને કયારેય અપેક્ષિત નહોતું. કોંગ્રેસ નેતાના આ આકરા વલણને કારણે વિપક્ષી મોરચામાં સાથી પક્ષો વચ્‍ચેના વિશ્વાસ અને સંકલનને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને મહારાષ્‍ટ્રના રાજકીય સમીકરણોમાં મોટી હલચલ મચી ગઈ છે.

બીજી તરફ, કોંગ્રેસના આ પ્રહારો વચ્‍ચે શરદ પવારની NCP ના સાંસદોએ સંગઠનને મજબૂત રાખવા અને એકતાનો સંદેશ આપવા માટે મોરચો સંભાળ્‍યો છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ, પાર્ટીના તમામ સાંસદોએ સુપ્રિયા સુળેને ફોન કરીને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને સ્‍પષ્ટ કર્યું છે કે શરદ પવાર અને સુપ્રિયા સુળે જે પણ નિર્ણય લેશે તે તેમને શિરોમાન્‍ય રહેશે. સાંસદોએ ભવિષ્‍યની રાજકીય રણનીતિ અને પાર્ટીના નિર્ણયોમાં સંપૂર્ણ સાથ આપવાની ખાતરી આપી છે, જેનાથી સીમાંકન બિલ અને વિપક્ષી ગઠબંધનના ભવિષ્‍યને લઈને આગામી દિવસોમાં મહારાષ્‍ટ્રના રાજકારણમાં વધુ મોટા નાટકીય વળાંકો આવે તેવી શકયતા પ્રબળ બની છે.

(3:17 PM IST)