તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ખેતરમાંથી ડ્રોન મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની : ફોરેન્સિક તપાસ શરૂ
હીરાનગર સેક્ટરના જંગીચક ગામમાંથી મળી આવેલું ડ્રોન ક્યાંથી આવ્યું અને તેનો શું ઉપયોગ થયો તે દિશામાં તપાસ

જમ્મુ, તા. ૨૮ : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા એક ખેતરમાંથી ડ્રોન મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. શુક્રવારે સાંજે હીરાનગર સેક્ટરના જંગીચક ગામના ખેતરમાં ડ્રોન જોવા મળતાં સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રોનને કબજે લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું છે. ડ્રોન ક્યાંનું છે, તેનું નિર્માણ કોણે કર્યું છે, તેનું મોડલ અને ટેકનિકલ વિશેષતાઓ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રોન કયા સંજોગોમાં ખેતરમાં પહોંચ્યું અને તેનો સરહદ પારની કોઈ પ્રવૃત્તિ માટે ઉપયોગ થયો હતો કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે.
ઘટનાસ્થળેથી ડ્રોન સિવાય અન્ય કોઈ શંકાસ્પદ કે વાંધાજનક સામગ્રી મળી આવી નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે ભારતીય વિસ્તારમાં માદક પદાર્થો, હથિયારો અને દારૂગોળો પહોંચાડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે. જોકે આ ડ્રોનનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ છે કે કેમ તે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
