<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

યુક્રેનનો રશિયા પર સૌથી ઘાતક હવાઈ હુમલોઃ ૧,૨૦૦ ડ્રોન ઝીંક્‍યાઃ ૭ના મોત

રશિયાનો વળતો પ્રહારઃ અડધા યુક્રેનમાં વીજળી ગુલ થઈ ગઈઃ ઓઈલ રિફાઈનરીમાં આગ લાગી

કીવ,તા.૧૪: રશિયા અને યુક્રેન વચ્‍ચેના ભીષણ યુદ્ધને પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેમ છતાં સંઘર્ષ શમવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાની મધ્‍યસ્‍થીમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા વચ્‍ચે યુક્રેને રશિયાના સૈન્‍ય અને ઊર્જા ઠેકાણાઓ પર રાતોરાત અંદાજે ૧,૨૦૦ ડ્રોન વડે અત્‍યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલાને અંજામ આપ્‍યો છે. આ ઘાતક હુમલામાં રશિયામાં ૧૨ વર્ષના બાળક સહિત ૭ લોકોના મોત નિપજ્‍યા છે, જ્‍યારે ૧૭ લોકો ઘાયલ થયા છે. રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્‍યો છે કે તેમની એર ડિફેન્‍સ સિસ્‍ટમે યુક્રેનના ૧,૧૯૮ ડ્રોનને હવામાં જ તોડી પાડ્‍યા છે. જોકે, ત્રણ અલગ-અલગ વિસ્‍તારોમાં ડ્રોન ત્રાટકવાથી ભારે તબાહી સર્જાઈ છે અને રશિયાના વોલ્‍ગોગ્રાદ શહેરમાં આવેલી એક વિશાળ ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે.

યુક્રેનના હુમલાનો વળતો જવાબ આપતા રશિયાએ પણ રાતોરાત યુક્રેન પર ૧૧૭ ડ્રોન દાગ્‍યા હતા. યુક્રેનના ઝાપોરિઝિયા શહેરમાં બે રહેણાંક ઈમારતો પર થયેલા હુમલામાં ૬ બાળકો સહિત ૩૦ નાગરિકો ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા ૨ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. આ ઉપરાંત રશિયાએ પાવર ગ્રીડ અને વીજ મથકોને નિશાન બનાવતા અડધા યુક્રેનમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્‍યા છે.

બીજી તરફ, અમેરિકા અને રશિયાના વાર્તાકારોએ યુદ્ધ રોકવાની ચર્ચામાં શીત યુદ્ધ (Cold War) બાદથી લાગુ યુરોપની વ્‍યાપક સુરક્ષા વ્‍યવસ્‍થાને પણ સામેલ કરી છે. મોસ્‍કોની આ લાંબા સમયની માંગ પર અમેરિકાની સંમતિથી યુરોપિયન નેતાઓ ચિતિત બન્‍યા છે અને નાટો (NATO) ની ભાવિ ભૂમિકા પર પ્રશ્નાર્થ ચિホ લાગ્‍યું છે. દરમિયાન, અબુ ધાબી ખાતે યોજાયેલી બેઠક બાદ અમેરિકન દૂત સ્‍ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે રશિયન રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન તથા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્‍સ્‍કીને માહિતી આપી છે. કુશનરના જણાવ્‍યા અનુસાર, આગામી શાંતિ મંત્રણામાં બ્રિટન, ફ્રાન્‍સ, જર્મની, ઈટાલી, પોલેન્‍ડ અને યુરોપિયન યુનિયનના રાજદ્વારીઓને સામેલ કરવા માટે રશિયા સહમત થયું છે.

(11:45 AM IST)