<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને બોમ્બથી ઉડાવવાની વારંવાર ધમકીઓ : દિલ્હીથી મુંબઈ, ઇન્દોર અને અમદાવાદ સુધી ખળભળાટ, ખાલિસ્તાનના નામે ઇ-મેઇલનો મારો

ઇન્દોરમાં આવતીકાલના કાર્યક્રમ પહેલાં હાઈ એલર્ટ : ગુજરાત હાઈકોર્ટ, મુખ્યમંત્રી કાર્યાલય અને અમિતાભ બચ્ચનનો બંગલો પણ નિશાન ઉપર; વિદેશી આઈપી એડ્રેસની તપાસ : એક મહિનામાં અનેક શહેરોમાં ધમકીઓથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ : પોલીસ તપાસમાં હજી સુધી વિસ્ફોટકો મળ્યા નથી, દિલજીતે આવતીકાલનો ઇન્દોર કાર્યક્રમ યોજાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ઇન્દોર, તા. ૧૪ : દેશના લોકપ્રિય પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના સંગીત કાર્યક્રમોને નિશાન બનાવતી બોમ્બ વિસ્ફોટની વારંવાર ધમકીઓથી દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ અને ગુજરાતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ખાલિસ્તાન નેશનલ આર્મી તથા અન્ય સંગઠનોના નામે મોકલાયેલા ઇ-મેઇલમાં વિવિધ સ્થળોએ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે આ ધમકીઓ પાછળ ખરેખર કયું સંગઠન છે તેની પુષ્ટિ થઈ નથી.

દિલજીતનો આવતીકાલે ૧૫ નવેમ્બરે ઇન્દોરના સી-૨૧ એસ્ટેટ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાવાનો છે. અગાઉ શહેરની ત્રણ ખાનગી શાળાઓ અને મેયર પુષ્યમિત્ર ભાર્ગવના કાર્યાલયને ધમકીઓ મળી હતી. ત્યારબાદ ગ્વાલિયર હાઈકોર્ટની બેન્ચને પણ કાર્યક્રમના મંચ ઉપર વિસ્ફોટ કરવાની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ હતી. ૧૨ નવેમ્બરે ત્રણ બેન્કો અને મેયર કાર્યાલયને ફરી ચાર ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા. 

તપાસમાં એક ઇ-મેઇલ દેવાસના યુવકનું હેક થયેલું એકાઉન્ટ વાપરીને મોકલાયો હોવાનું બહાર આવ્યું છે. અમેરિકાના આઈપી એડ્રેસ અને વીપીએનનો ઉપયોગ થયાના સંકેતો મળ્યા છે. પોલીસે કાર્યક્રમ માટે ૭૧૭ સ્વયંસેવકો, બાઉન્સરો અને સુરક્ષાકર્મીઓની વિગતો ચકાસવાનું શરૂ કર્યું છે. 

દરમિયાન મુંબઈમાં ૧૨ નવેમ્બરે ફરી મળેલા ઇ-મેઇલમાં ૨૭ નવેમ્બરના દિલજીતના કોન્સર્ટ, મહાલક્ષ્મી રેસકોર્સ, અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલા અને વિમાનમથકને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી.

ગુજરાતમાં પણ ૨૧ નવેમ્બરના અમદાવાદ ખાતેના કાર્યક્રમ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને ધમકી મળતાં સુરક્ષા તપાસ હાથ ધરાઈ હતી. 

અત્યાર સુધીની તપાસમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી. પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ અનેક ધમકીઓ ખોટી હોવાની શંકા છે. બીજી તરફ દિલજીત દોસાંઝે પોતાનો ઇન્દોરનો કાર્યક્રમ નિર્ધારિત મુજબ યોજાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

 

(9:36 AM IST)