<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

સિંધના વિભાજન સામે રસ્તા પર જનસૈલાબ: "એક ઇંચ જમીન પણ નહીં છોડીએ" ના નારા સાથે શાહબાઝ-મુનીરને ખુલ્લો પડકાર!

કરાચી સહિત સિંધ પ્રાંતમાં નવા રાજ્યની કથિત યોજના સામે વિવિધ સિંધી રાષ્ટ્રવાદી સંગઠનો એક મંચ પર : ૨૪ કરોડની વસ્તી અને વહીવટી સરળતાના નામે પાકિસ્તાન આર્મી અને સરકાર સિંધની રાજકીય તાકાત તોડવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ

કરાચી:  પાકિસ્તાનના સિંધ પ્રાંતને બે ભાગમાં વહેંચીને નવો વહીવટી પ્રદેશ બનાવવાની કથિત યોજના સામે સમગ્ર પ્રાંતમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કરાચી સહિત સિંધના વિવિધ શહેરોમાં સિંધી રાષ્ટ્રવાદી પક્ષો અને સંગઠનોએ વિશાળ વિરોધ પ્રદર્શન કરીને શાહબાઝ શરીફ સરકાર અને લશ્કરી નેતૃત્વને ખુલ્લી ચેતવણી આપી છે. "અમે સિંધની એક ઇંચ પણ જમીન નહીં છોડીએ" અને "સિંધનું વિભાજન નહીં થાય" જેવા ગગનભેદી નારા સાથે વિરોધીઓએ સ્પષ્ટ કર્યું છે કે સિંધની ઐતિહાસિક ઓળખ અને જૂની સીમાઓમાં કોઈપણ પ્રકારનો ફેરફાર સાંખી લેવામાં આવશે નહીં.

આ કથિત યોજના હેઠળ કરાચી અને તેના શહેરી વિસ્તારોને અલગ પ્રાંત બનાવવાની તેમજ બાકીના ગ્રામીણ અને આંતરિક સિંધને બીજા પ્રાંતમાં રાખવાની ચર્ચા છે, જે દેશના ચાર પ્રાંતોને ૧૨ થી ૧૫ નાના વહીવટી વિભાગોમાં વહેંચવાની વ્યાપક કવાયતનો ભાગ મનાય છે. જોકે, ઇસ્લામાબાદ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર બિલ કે નકશો જાહેર થયો નથી, તેમ છતાં સિંધી રાષ્ટ્રવાદી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે લશ્કરી સ્થાપના રાજકીય દબાણ લાવીને આ યોજનાને આગળ ધપાવી રહી છે અને સિંધના શક્તિશાળી પ્રાદેશિક પક્ષો, ખાસ કરીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ને નબળી પાડવાનું ષડયંત્ર રચી રહી છે. આ આંદોલનની ખાસ વાત એ છે કે વિવિધ જૂથો પોતાના જૂના મતભેદો ભૂલીને એક જ મંચ પર આવ્યા છે અને સરકારી દબાણ છતાં લાંબી લડત ચલાવવાની જાહેરાત કરી છે.

બીજી તરફ, આ પ્રસ્તાવના સમર્થકોની દલીલ છે કે પાકિસ્તાનની વસ્તી ૨૪ કરોડ (૨૪૦ મિલિયન) ને પાર કરી ગઈ હોવાથી ચાર મોટા પ્રાંતો દ્વારા સમગ્ર વહીવટ સંભાળવો મુશ્કેલ બન્યો છે, અને નાના પ્રાંતો બનવાથી સરકારી કામગીરી સુધરશે તથા લોકોને મૂળભૂત સેવાઓ સરળતાથી મળશે. જોકે, સિંધી નેતાઓ આને માત્ર વહીવટી સુધારો માનવા તૈયાર નથી અને તેમણે ચેતવણી આપી છે કે જો વિભાજનનો પ્રયાસ થશે તો આખું સિંધ સળગી ઉઠશે; હાલ આ આરોપો પર પાકિસ્તાનની કેન્દ્ર સરકાર કે લશ્કરની મીડિયા વિંગ ISPR તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા સામે આવી નથી.

(10:17 PM IST)