News of Sunday, 22nd November 2026
કચ્છની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ : મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાયની જાહેરાત
ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ટ્રેલર સાથે કાર અથડાતા આર્મી પરિવારના 7 સભ્યોના મોત : ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની મદદ કરાશે : PM રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત

કચ્છ : કચ્છમાં બનેલી ગમખ્વાર સડક દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. સાથે જ મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાય અપાશે તેવી જાહેરાત કરી છે.
PMO ઇન્ડિયા દ્વારા X પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, કચ્છ, ગુજરાતમાં દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારાઓના મોતથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
વડાપ્રધાને જાહેરાત કરી છે કે, જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના નજીકના સંબંધીને PMNRF એટલે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે.
ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર શનિવાર રાત્રે વેકારિયા નજીક આ ભીષણ અકસ્માત થયો હતો. ખાવડા પાસે ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં એક જ આર્મી પરિવારના લોકોના મોત થયા છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની 3 મહિનાની બાળકી, પિતા-પુત્રી અને માતા-પુત્રીનો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડનો આ પરિવાર કચ્છ ફરવા આવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સડક પર મૃતદેહો વેરવિખેર હાલતમાં પડ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા આર્મીના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
