News of Saturday, 21st November 2026
તાજમહેલ સંકુલમાં રાજકીય નારેબાજીથી ખળભળાટ: ભાજપ નેતાએ "તેજોમહલ" કહી લગાવ્યા નારા : ASI એ નોંધાવી પોલીસ ફરિયાદ
વર્લ્ડ હેરિટેજ વીકના પ્રથમ દિવસે જ મફત પ્રવેશ દરમિયાન ભાજપના બ્રજ પ્રદેશના નેતા રાજેશ રાઠોડનો 'રાધે-રાધે કમલ ખીલા દે' ના નારા લગાવતો ૩૪ સેકન્ડનો વીડિયો વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા : સુપ્રીમ કોર્ટના નિયમોના ઉલ્લંઘન બદલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે કડક કાર્યવાહીની માંગ કરી

આગ્રા : વિશ્વ વિખ્યાત ઐતિહાસિક ધરોહર તાજમહેલની સુરક્ષા અને નિયમોના પાલન પર ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો છે. વર્લ્ડ હેરિટેજ વીકના પહેલા જ દિવસે, જ્યારે પ્રવાસીઓ માટે તાજમહેલમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો, ત્યારે ભારે ભીડ વચ્ચે ભાજપના બ્રજ પ્રદેશ બેકવર્ડ ફ્રન્ટના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રાજેશ રાઠોડે સંકુલની અંદર રાજકીય અને ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ૩૪ સેકન્ડના આ વીડિયોમાં રાઠોડ તાજમહેલને "તેજોમહલ" ગણાવીને "રાધે-રાધે કમલ ખીલા દે" અને "જય શ્રી રામ" ના નારા લગાવતા તેમજ મતદારોને સંબોધતા જોવા મળે છે. આ વીડિયો ખુદ રાજેશ રાઠોડે પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો.
સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ મુજબ, વિશ્વ ધરોહર સ્મારક તાજમહેલના સંકુલમાં કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ, પ્રચાર કે સૂત્રોચ્ચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમ છતાં, કડક સુરક્ષા ઘેરા વચ્ચે આ પ્રકારનો વીડિયો શૂટ થવાથી CISF અને સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. મામલો બિચકતા અને પોલીસ કાર્યવાહીની ગંધ આવતા રાજેશ રાઠોડે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. બાદમાં તેમણે બચાવ કરતા સ્પષ્ટતા કરી હતી કે આ અજાણતામાં થયેલી એક ભૂલ હતી અને તેમને નિયમોની જાણકારી નહોતી.
બીજી તરફ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને પ્રવાસન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સુપ્રિટેન્ડેન્ટ પુરાતત્વવિદ ડૉ. સ્મિતા કુમારે આ કૃત્યને સ્મારકની ગરિમા અને શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો છે. ACP તાજ સુરક્ષા યતેન્દ્ર નાગરે પુષ્ટિ કરી છે કે તાજમહેલ સંકુલમાં બનેલી આ ઘટના અંગે ASI અને CISF ની ફરિયાદના આધારે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
