<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ગાંધીનગરમાં પીએમની ‘મહાબેઠક': રાજકીય નવાજુનીના એંધાણ

વડાપ્રધાને સરકાર સંગઠનના કામકાજની સમીક્ષા કરી કિંમતી સૂચનો પણ કર્યાઃ આપ્‍યું લેશન-સુશાસનનો મંત્ર : ચૂંટણીની તૈયારીઓની પ્રદેશ પ્રમુખ પાસેથી વિગતો મેળવીઃ દુષ્‍કાળ-અછતના સમયમાં કેન્‍દ્રનાં સહયોગની આપી ખાતરી

નવી દિલ્‍હી,તા.૧૪: ગુજરાતમાં ૨૦૨૭માં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે તેની પૂર્વે ગઈકાલે ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીએ એક ‘મહાબેઠક' યોજી રાજકીય બાબતોની સમીક્ષા સાથે સરકાર અને સંગઠનની કામગીરીનું પણ ‘પોસ્‍ટમોર્ટમ' કર્યુ હોવાનું જાણવા મળે છે. રાજભવન ખાતે તેમણે ડિનર ડિપ્‍લોમસી પણ યોજી હતી. વરિષ્‍ઠ નેતાઓ અને હોદેદારો સાથે ભોજન પણ લધું હતું. ટોચના નેતાઓ સાથે તેમણે સીધો સંવાદ પણ કર્યો હતો. એવું પણ જાણવા મળે છે કે તેમણે વિવિધ મંત્રીઓ-મંત્રાલયના કામકાજની પણ સમીક્ષા કરી હતી. અને કેટલાક સૂચનો પણ કર્યા હતા. તેમની આ મુલાકાતોથી આગામછ દિવસોમાં રાજકીય નવાજૂની થવાના એંધાણ મળી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નિવાસસ્‍થાને અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી સહિત કેબિનેટના તમામ સભ્‍યો તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના મહામંત્રીઓ, આગેવાનો સાથે એક ઔપચારિક બેઠક યોજી હતી. વડાપ્રધાન બન્‍યા પછી નરેન્‍દ્રભાઈ મોદીએ સૌપ્રથમવાર મુખ્‍યમંત્રીના નિવાસસ્‍થાને બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદી શનિવારે નવી દિલ્‍હી જવા રવાના થતાં પહેલાં ગોધાવી સ્‍થિત સંસ્‍કારધામ ટ્રસ્‍ટની બેઠક યોજી હતી.

સામાન્‍ય રીતે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવતા હોય છે ત્‍યારે આવી રીતે અનુકૂળતા મુજબ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરતા હોય છે, પરંતુ સરકાર કે સંગઠનના સભ્‍યો સાથે બેઠક યોજતા નથી. ગત ઓક્‍ટોબરમાં કેવડિયા કોલોની ખાતે રોકાણ દરમિયાન વડાપ્રધાન મોદીએ કેટલાક ડ્રીમ પ્રોજેક્‍ટ્‍સ, સેમિકન્‍ડક્‍ટર ઇકોસિસ્‍ટમ, ગિફસ સિટી, મહત્ત્વના ઇન્‍ફ્રા પ્રોજેક્‍ટ્‍સ અંગે પ્રેઝન્‍ટેશન નિહાળ્‍યું હતું અને રાજ્‍યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આમ તો આ બેઠક અંગે એવું કહેવાય છે કે, નૂતન વર્ષ તેમજ થોડા દિવસ અગાઉ જ વડાપ્રધાને જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ટીમ ગુજરાત સાથે મિલન સહ ભોજન બેઠક કરી છે.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં ચાલી રહેલી તૈયારીઓ, કેવી રીતે નવા આયામોથી લોકોની વચ્‍ચે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારના વિકાસલક્ષી, લોકહિતના કાર્યક્રમો લઇને જવું વગેરે મુદ્દે મહત્ત્વના સૂચનો, માર્ગદર્શન આપ્‍યું હતું. આ ઉપરાંત આગામી જાન્‍યુઆરી માસમાં યોજાનારી વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૭ની તૈયારીઓ સંદર્ભમાં અત્‍યાર સુધીમાં વિશ્વના દેશોમાં પ્રવાસ કરીને આવેલા મંત્રીઓ પાસેથી પ્રતિભાવ મેળવ્‍યો હતો. પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા અને એમની ટીમ પાસેથી અત્‍યાર સુધીમાં કેવા પ્રકારના સંગઠનાત્‍મક કાર્યક્રમો થયા તેમજ હવે ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને કેવી તૈયારીઓ છે તેની જાણકારી પણ મેળવી હતી. હાલ રાજ્‍યમાં દુષ્‍કાળ અને અછત સંદર્ભમાં વડાપ્રધાને તમામ સહયોગની ખાતરી મુખ્‍યમંત્રીને આપી હતી. આ સિવાય કોઇપણ પ્રકારના અન્‍ય મુદ્દાઓ પર વડાપ્રધાને રાજ્‍યના આગેવાનો સાથે ચર્ચા કરી ન હતી. અલબત્ત, વડાપ્રધાનની આવી બેઠકને લઇને અનેક પ્રકારના તર્ક વિતર્ક વહેતા થયા હતા. આ વખતે વડાપ્રધાને આવી રીતે યોજેલી બેઠકથી અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્‍યું છે. વિધાનસભાની ચૂંટણીને હવે એક જ વર્ષ બાકી છે ત્‍યારે રાજકીય મંથન માટે બેઠક યોજાઈ હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

 વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનું એરપોર્ટ ખાતે આગમન થયું ત્‍યારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સ્‍વાગત કર્યું હતું. અહીં સ્‍વાગત માટે પૂર્વ સાંસદ તથા ધારાસભ્‍યને આમંત્રિત કરાયા હતા.  જેમાં હરીન પાઠક, પ્રદીપ પરમાર, ભરત બારોટ, અરવિદ પટેલ, સુરેશ પટેલ અને ગીતાબહેન પટેલ હાજર રહ્યા હતા. વડાપ્રધાનની વિદાય વખતે ગોરધન ઝડફિયા, કૌશિક પટેલ, નિર્મલાબહેન સહિતના પૂર્વ નેતાઓને આમંત્રિત કરાયા હતા.

(11:11 AM IST)