<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

પાન કાર્ડ-મતદાર ઓળખ કાર્ડથી ભારતીય નાગરિકતા સાબિત થતી નથી

ભારતીય નાગરિકતાના આધારભૂત પુરાવા અંગે ગુવાહાટી હાઈકોર્ટની ટિપ્‍પણી

ગુવાહાટી,તા.૧૪: આસામની ગુવાહાટીઃ હાઈકોર્ટે એક મહિલાનો ભારતીય નાગરિકતાનો દાવો ફગાવી દેતાં કહ્યું છે કે, પાન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડથી ફક્‍ત ભારતીય નાગરિક્‍તા કે પારિવારિક સંબંધ સાબિત કરી શક્‍તા નથી. તેના માટે એ દસ્‍તાવેજો હોવા પણ જરૂરી છે, જેના આધારે આ ઓળખપત્રો ઈશ્‍યૂ કરવામાં આવ્‍યા હતા.

અદાલતે વિદેશી ટ્રિબ્‍યુનલના તે આદેશને યથાવત રાખ્‍યો છે, જેમાં દરંગ જિલ્‍લાની કુલચન બેગમને વિદેશી જાહેર કરવામાં આવી હતી. સાથે જ તેમની રિટ અરજી પણ ફગાવી દેવામાં આવી છે.

જસ્‍ટિસ કલ્‍યાણ રાય સુરાણા અને જસ્‍ટિસ સુસ્‍મિતા ફૂકન ખાદની બેન્‍ચે શુક્રવારે જણાવ્‍યું હતું કે, જે દસ્‍તાવેજો પર અરજદાર મહિલા કુલચન બેગમે ભરોસો મૂક્‍યો હતો, જેમાં તેમના પિતાનું પાન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ તેમજ તેમનું પોતાનું મતદાર ઓળખ કાર્ડ સામેલ છે, તે તેમની નાગરિકતા કે કથિત માતા-પિતા સાથેના તેમના સંબંધો સાબિત કરવા માટે પૂરતા નથી.

મહિલાએ મંગલદૈ સ્‍થિત વિદેશી ટ્રિબ્‍યુનલના ૨૦૧૮ના આદેશને પડકાર્યો હતો. ટ્રિબ્‍યુનલે કુલચન બેગમને એવી વિદેશી વ્‍યક્‍તિ જાહેર કરી હતી જે ૨૫ માર્ચ, ૧૯૭૧ પછી ભારતમાં આવી હતી. હાઈકોર્ટે ૫ નવેમ્‍બરના પોતાના

નિર્ણયમાં જણાવ્‍યું હતું કે, 'અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા પાન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી.'

આ એવા દસ્‍તાવેજો છે, જે આવકવેરા વિભાગ અને ભારત ચૂંટણી પંચ દ્વારા કોઈપણ પ્રકારની ઔપચારિક તપાસ વગર, વ્‍યક્‍તિની અરજી પર ઈશ્‍યૂ કરવામાં આવે છે. તેથી, જ્‍યાં સુધી પાન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ ઈશ્‍યૂ કરવાના આધાર પર બનેલા રેકોર્ડ રજૂ કરીને સાબિત ન કરવામાં આવે, ત્‍યાં સુધી આ દસ્‍તાવેજોને ભારતીય નાગરિકતાનો પુરાવો માની શકાય નહીં.

અરજદારે દાવો કર્યો હતો કે તેમનો જન્‍મ ૨૫ એપ્રિલ, ૧૯૭૭ના રોજ થયો હતો અને તેમનો ઉછેર ગુવાહાટીના લુઈતપારના ખરઘુલીમાં થયો હતો.

(10:00 AM IST)