તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
તાજમહેલ જોવાની પાકિસ્તાની મંત્રીની ઈચ્છા અધૂરી રહી: ભારતે વિઝા નિયમોનો હવાલો આપી મુલાકાતની મંજૂરી નકારી
ત્રણ વર્ષ બાદ SCO સભ્યતા સંવાદ મંચમાં હાજરી આપવા પહોંચેલા પાકિસ્તાનના સંઘીય મંત્રી મુસાદિક મલિકને તાજમહેલ અને હઝરત નિઝામુદ્દીન દરગાહ જવાની પરવાનગી ન મળતા રાજદ્વારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી : સરહદ પારના આતંકવાદ અને પહેલગામ હુમલાના મુદ્દે ભારતીય નેતાઓએ પાકિસ્તાનને ફરી ઘેર્યું

નવી દિલ્હી : શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યતા સંવાદ મંચમાં હાજરી આપવા માટે ભારત આવેલા પાકિસ્તાનના સંઘીય જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મસૂદ મલિકને ભારત સરકારે મોટો ઝટકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાદિક મલિકે આગ્રા સ્થિત તાજમહેલ અને દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ભારત સરકારે તેમને આ બંને સ્થળોએ જવાની પરવાનગી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમના વિઝા માત્ર બહુપક્ષીય SCO બેઠકમાં ભાગ લેવા પૂરતા જ મર્યાદિત રાખવામાં આવ્યા છે, તેથી તેઓ કોઈ પણ પ્રકારના પ્રવાસન કે અંગત કાર્યક્રમમાં સામેલ થઈ શકશે નહીં.
મહત્વપૂર્ણ છે કે મે ૨૦૨૩માં બિલાવલ ભુટ્ટો ઝરદારીની ગોવા મુલાકાત બાદ આશરે ત્રણ વર્ષના લાંબા અંતરાલ પછી કોઈ પાકિસ્તાની મંત્રી ભારતની ધરતી પર આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પર આગમન સમયે પાકિસ્તાનના ચીફ ઓફ પ્રોટોકોલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત તરફથી કોઈ ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા ન હતા. દિલ્હી પહોંચ્યા બાદ સભ્યતા સંબંધો અંગે વાત કરતા મલિકે જણાવ્યું હતું કે વિવિધ પક્ષો વચ્ચેનો સંવાદ આવકારદાયક છે, જ્યારે સરહદ પારના આતંકવાદ અંગે ભારતની ચિંતાઓ પર પૂછાયેલા સવાલોને ટાળતા તેમણે કહ્યું હતું કે તેમના નિવેદન બાદ આ મુદ્દે વધુ ચર્ચા થશે.
બીજી તરફ, પાકિસ્તાની મંત્રીની આ મુલાકાતને લઈને દેશના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મનીષ તિવારીએ આ મુલાકાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે SCO એક બહુપક્ષીય મંચ હોવાથી પાકિસ્તાની પ્રતિનિધિની હાજરી અસામાન્ય નથી, પરંતુ ભારતની મૂળભૂત ચિંતાઓ યથાવત છે. તેમણે ગત વર્ષે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાની યાદ અપાવતા સવાલ ઉઠાવ્યો હતો કે બૈસરન ખીણમાં નિર્દોષ લોકોની હત્યાને દોઢ વર્ષ વીતી ગયું હોવા છતાં શું પાકિસ્તાને ક્યારેય દિલગીરી વ્યક્ત કરી છે કે આતંકવાદી માળખા સામે કોઈ નક્કર પગલાં લીધાં છે? તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ સુધારો શક્ય નથી.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
