તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર પર FBIનો સકંજો: અમેરિકાની ‘ટોપ-10 મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં સામેલ, ૧૦ લાખ ડોલરનું ઇનામ જાહેર
લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઉત્તર અમેરિકાના કથિત વડા સામે 'ઓપરેશન હાર્ડ બોલ' હેઠળ મોટી કાર્યવાહી; કેનેડાએ પણ જાહેર કર્યો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ

નવી દિલ્હી: પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથીદાર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાર પર હવે અમેરિકન તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ ગાળિયો કસ્યો છે. FBI દ્વારા ગોલ્ડી બરારને અમેરિકાના 'ટોપ-10 મોસ્ટ વોન્ટેડ' ભાગેડુ ગુનેગારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે માહિતી આપનારને ૧૦ લાખ અમેરિકન ડોલર (અંદાજે રૂ. ૮.૫ કરોડ) સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તર અમેરિકામાં ગુનાખોરીનું નેટવર્ક
FBIની નોટિસ અનુસાર, ગોલ્ડી બરાર અમેરિકા અને કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપ (OCG) ની ગુનાહિત પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. તેના પર રાજકીય અને ધાર્મિક હસ્તીઓની ટાર્ગેટ કિલિંગ (ચૂંટેલી હત્યાઓ), ગોળીબાર, અપહરણ, ખંડણી ઉઘરાવવી, માનવ તસ્કરી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી જેવા અત્યંત ગંભીર આરોપો છે. અમેરિકન ફેડરલ કોર્ટમાં તેના વિરુદ્ધ RICO (રેકેટીયર ઇન્ફ્લુએન્સ્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઇઝેશન્સ) કાવતરા હેઠળ ગુના નોંધાયેલા છે.
'ઓપરેશન હાર્ડ બોલ' અને કેનેડાની કાર્યવાહી
આંતરરાષ્ટ્રીય ગુનાહિત સિન્ડિકેટ્સને નેસ્તનાબૂદ કરવા માટે અમેરિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન હાર્ડ બોલ' હેઠળ બરારના અનેક સાથીદારોની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે, જેના ભાગરૂપે હવે બરાર પર સકંજો કસાયો છે. બીજી તરફ, કેનેડાની સત્તાવાળાઓએ પણ સપ્ટેમ્બર ૨૦૨૩માં વિનિપેગ ખાતે થયેલી સુખદૂલ સિંહ ગિલની હત્યાના કેસમાં ગોલ્ડી બરારને પોતાનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ જાહેર કરી ૨,૫૦,૦૦૦ કેનેડિયન ડોલરનું ઇનામ રાખ્યું છે. આમ, અમેરિકા અને કેનેડા બંને દેશોની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ટોચ પર આવનાર તે ભારતીય મૂળનો પ્રથમ ગેંગસ્ટર બન્યો છે.
જનતાને ચેતવણી અને ગુનાહિત પૃષ્ઠભૂમિ
FBIએ સામાન્ય જનતાને ચેતવણી આપી છે કે ગોલ્ડી બરાર હથિયારોથી સજ્જ અને અત્યંત ખતરનાક છે, તેથી કોઈએ તેની નજીક જવાનો પ્રયાસ કરવો નહીં અને જો કોઈ માહિતી મળે તો તાત્કાલિક નજીકના FBI કાર્યાલય અથવા અમેરિકન દૂતાવાસનો સંપર્ક કરવો.
ઉલ્લેખનીય છે કે, પંજાબના શ્રી મુક્તસર સાહિબનો વતની ગોલ્ડી બરાર ૨૦૧૭માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. મે ૨૦૨૨માં સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ તે ચર્ચામાં આવ્યો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયે તેને અગાઉ જ UAPA કાયદા હેઠળ 'આતંકવાદી' જાહેર કર્યો છે અને ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરેલી છે. અમેરિકા અને કેનેડાની આ સંયુક્ત ભીંસને કારણે હવે ટૂંક સમયમાં જ બરારની ધરપકડ થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
