<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

દિલ્હીમાં પ્રદૂષણથી રાહત નહીં : આનંદ વિહારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ૨૫૧, સિરીફોર્ટમાં ૩૨૩: રાજધાનીનો સરેરાશ પ્રદૂષણ આંક ૨૩૬, અનેક વિસ્તારોમાં હવા ખરાબ : સવારે ઠંડી અને ધુમ્મસ, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સુધી રહેવાની આગાહી

આગામી ૨૩થી ૨૬ નવેમ્બર દરમિયાન રાત્રિ અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન અંદાજે ૧૨થી ૧૩ ડિગ્રી અને મહત્તમ ૨૫થી ૨૬ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના : સવારે ધુમ્મસ અને પ્રદૂષણની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવા સલાહ

નવી દિલ્હી :  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે પ્રદૂષણના સ્તરમાં અગાઉના દિવસની સરખામણીએ થોડો ઘટાડો થયો હોવા છતાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં યથાવત રહી છે. સવારે ૭ વાગ્યે દિલ્હીનો સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક ૨૩૬ નોંધાયો હતો, જે અગાઉના દિવસની સરખામણીએ ૪૨ પોઇન્ટ ઓછો હતો. જોકે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રદૂષણની તીવ્રતામાં મોટો તફાવત જોવા મળ્યો હતો.

 

સવારે નોંધાયેલા આંકડા મુજબ આનંદ વિહારમાં ૨૫૧, સિરીફોર્ટમાં ૩૨૩, દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી વિસ્તારમાં ૩૧૨, ચાંદની ચોકમાં ૩૦૪, પંજાબી બાગમાં ૨૯૮, રોહિણીમાં ૨૬૦ અને આર.કે. પુરમમાં ૨૪૪નો સૂચકાંક નોંધાયો હતો. બીજી તરફ લોધી રોડના હવામાન વિભાગના કેન્દ્ર ખાતે ૧૪૩નો આંક નોંધાયો હતો. સિરીફોર્ટ સહિત કેટલાક વિસ્તારોની હવા અતિ ખરાબ શ્રેણીમાં પહોંચી હતી.

 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ અને સવારના સમયે હળવાથી મધ્યમ ધુમ્મસની સ્થિતિ રહી છે. મહત્તમ તાપમાન ૨૬થી ૨૮ ડિગ્રી અને લઘુત્તમ ૧૨થી ૧૪ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે.

 

આગામી ૨૩થી ૨૬ નવેમ્બર દરમિયાન રાત્રિ અને વહેલી સવારની ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન અંદાજે ૧૨થી ૧૩ ડિગ્રી અને મહત્તમ ૨૫થી ૨૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સવારે ધુમ્મસ અને પ્રદૂષણની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની તકલીફ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

(12:21 PM IST)