News of Saturday, 14th November 2026
બલૂચિસ્તાનમાં સેનાના કેમ્પ પર ભીષણ આત્મઘાતી હુમલો, ૧૮ જવાનોના મોત
બલૂચ લિબરેશન આર્મીના મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી સ્વીકારી : સંગઠને બલૂચિસ્તાનમાં ખનિજ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરતી વિદેશી કંપનીઓને પણ હુમલાની ધમકી આપી

મસ્તુંગ,તા.૧૪: પાકિસ્તાનના અશાંત ગણાતા બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળો પર વધુ એક મોટો અને ઘાતક હુમલો થયો છે. મસ્તુંગ જિલ્લાના કંદવા વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સેનાના કેમ્પ પર ગુરુવારે થયેલા ભીષણ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૧૮ પાકિસ્તાની જવાનોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચ લિબરેશન આર્મી એ એક વીડિયો સંદેશ જાહેર કરીને આ સમગ્ર હુમલાની જવાબદારી સ્વીકારી છે.
બલૂચ લિબરેશન આર્મીના જણાવ્યા અનુસાર, તેની ઘાતક શાખા ‘મજીદ બ્રિગેડ' દ્વારા વાહન આધારિત ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (VBIED) નો ઉપયોગ કરીને સૈન્ય છાવણી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પ્રચંડ વિસ્ફોટમાં આર્મી કેમ્પ અને આસપાસની સુરક્ષા ચેકપોસ્ટ સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ હતી.
BLA એ દાવો કર્યો છે કે કાર બ્લાસ્ટ બાદ તેના ‘ફતેહ સ્ક્વોડ'ના લડવૈયાઓ કેમ્પની અંદર ઘુસી ગયા હતા અને વિસ્ફોટમાં બચી ગયેલા સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત, એક સુનિયોજિત ઓપરેશન હેઠળ નજીકની અન્ય એક સુરક્ષા ચોકીને પણ નિશાન બનાવવામાં આવી હતી.
સંગઠને આ આત્મઘાતી હુમલાને અંજામ આપનાર હુમલાખોરની ઓળખ મસ્તુંગના ખડકોચા વિસ્તારના રહેવાસી ઉસામા શાહવાની ઉર્ફે વદૂદ તરીકે કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે શાહવાની વર્ષ ૨૦૨૨ માં સંગઠનમાં જોડાયો હતો અને વર્ષ ૨૦૨૪ માં મજીદ બ્રિગેડનો સભ્ય બન્યો હતો. તેણે અગાઉ કલાત, નાગાહો અને શૂર પરોદ સહિતના વિસ્તારોમાં અનેક હુમલાઓમાં ભાગ લીધો હતો તેમજ નુશ્કી ખાતે ‘ઓપરેશન હેરોફ II' દરમિયાન ત્રણ દિવસ સુધી લડાઈ લડી હતી.
આ નિવેદન મારફતે BLA એ બલૂચિસ્તાનમાં ચાલી રહેલા ખનિજ સંશોધન અને રોકાણ પ્રોજેક્ટ્સનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને ‘પાકિસ્તાન મિનરલ્સ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ૨૦૨૬' ને નિશાન બનાવતા સંગઠને આરોપ મૂક્યો છે કે આ પ્રોજેક્ટ્સનો હેતુ પ્રાંતના કુદરતી સંસાધનોની લૂંટ ચલાવવાનો છે.
BLA એ ધમકી આપી છે કે આ પ્રોજેક્ટ્સમાં સામેલ વિદેશી કંપનીઓ અને રોકાણકારો પર હુમલા થઈ શકે છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાની સુરક્ષા દળો બલૂચિસ્તાન છોડીને નહીં જાય અને પ્રાંત આઝાદ નહીં થાય, ત્યાં સુધી તેમનું સશસ્ત્ર અભિયાન ચાલુ રહેશે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
