<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

​હોર્મુઝની સામુદ્રધુનીમાં ભીષણ વિસ્ફોટ: દરિયાઈ સુરંગ સાથે અથડાતા ૩ ઓઈલ ટેન્કર ભડભડ સળગ્યા, ઈરાનની કડક ચેતવણી

​પરવાનગી વગર પ્રતિબંધિત જળમાર્ગમાં ઘૂસણખોરી ભારે પડી: જહાજોએ રડાર સિસ્ટમ બંધ રાખી હોવાનો ઈરાની સેનાનો દાવો, વૈશ્વિક તેલ પુરવઠા પર સંકટના વાદળો

​તેહરાન:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ તેલ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયામાં બિછાવવામાં આવેલી બારૂદી સુરંગો (Naval Mines) સાથે અથડાયા બાદ ત્રણ મોટા ઓઈલ ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

​રડાર બંધ કરીને ગુપ્ત રીતે પસાર થવાનો પ્રયાસ

ઈરાની સેના અને IRGC દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, અકસ્માતનો ભોગ બનેલા આ જહાજોમાં એક વિશાળકાય સુપરટેન્કરનો પણ સમાવેશ થાય છે. આ જહાજોએ પોતાની ઓળખ છુપાવવા માટે રડાર અને લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (AIS) બંધ કરી દીધી હતી અને ઈરાનના ટ્રાફિક કંટ્રોલ સેન્ટરની મંજૂરી વગર પ્રતિબંધિત તથા અસુરક્ષિત દક્ષિણ જળમાર્ગ પરથી ગુપ્ત રીતે પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

​અમેરિકી સુરક્ષા હેઠળ જઈ રહેલા જહાજને પણ નુકસાન

ઈરાનના દાવા મુજબ, ક્ષતિગ્રસ્ત થયેલા ટેન્કરોમાંથી એક જહાજ અમેરિકી નૌકાદળની સુરક્ષા હેઠળ ગેરકાયદેસર રૂટ પરથી આગળ વધી રહ્યું હતું. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ તેહરાને હોર્મુઝની સામુદ્રધુની પર પોતાનું નિયંત્રણ અત્યંત કડક બનાવી દીધું છે અને અમેરિકા તથા ઈઝરાયેલ સાથે સંકળાયેલા જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ, અમેરિકી સૈન્યએ ઈરાની બંદરોની નાકાબંધી કરી છે અને અગાઉ દાવો કર્યો હતો કે તેમણે મુખ્ય જળમાર્ગ પરથી દરિયાઈ સુરંગો હટાવી લીધી છે.

​ઈરાનની ખુલ્લી ધમકી અને વૈશ્વિક બજાર પર અસર

ઘટના બાદ ઈરાની નૌકાદળે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જે કોઈ પણ જહાજ કે શિપિંગ કંપની નિયમોનું ઉલ્લંઘન કરશે અને પરવાનગી વગર આ જળમાર્ગનો ઉપયોગ કરશે, તેણે આવા જ ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈરાની સેનાના વડાએ પણ કોઈપણ નવા હુમલા સામે વધુ આક્રમક વળતો જવાબ આપવાની તૈયારી દર્શાવી છે.

​પર્શિયન ગલ્ફને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડતા આ અત્યંત મહત્વપૂર્ણ રૂટ પર સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પુરવઠામાં વિક્ષેપ પડવાની અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની દહેશત ઊભી થઈ છે.

​

(12:42 PM IST)