<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

બીજાપુરના જંગલમાંથી માઓવાદીઓનો ખજાનો ઝડપાયો: ₹4.29 કરોડનું સોનું અને ₹24.22 લાખની રોકડ જપ્ત : સુરક્ષા દળોને મોટી સફળતા

ઇન્દ્રાવતી નદી નજીક ભૈરમગઢ વિસ્તારના જંગલમાં DRG, પોલીસ અને BDS ની સંયુક્ત કાર્યવાહી; જમીનમાં દટાયેલા સ્ટીલના બોક્સમાંથી 10-10 તોલાના 33 સોનાના બિસ્કિટ અને ₹500 ની નોટોના બંડલ મળ્યા : અત્યાર સુધીમાં કુલ 12.34 કિલો સોનું અને ₹8.24 કરોડથી વધુની રોકડ કબજે

બીજાપુર : છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને માઓવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને એક અત્યંત મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભૈરમગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દ્રાવતી નદી કિનારાના ગાઢ જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ જમીનમાં ઊંડે દટાયેલો માઓવાદીઓનો ગુપ્ત 'ડમ્પ' શોધી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ , સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ  ની સંયુક્ત ટીમને શંકાસ્પદ હિલચાલ અને માહિતીના આધારે આ સ્થળ પર ખોદકામ કરતા જમીન નીચે છુપાવેલું એક મજબૂત સ્ટીલનું બોક્સ મળી આવ્યું હતું, જે ખોલતા જ સુરક્ષા જવાનો પણ ચોંકી ઉઠ્યા હતા.

પોલીસના સત્તાવાર અહેવાલ અનુસાર, આ સ્ટીલના બોક્સમાંથી 10-10 તોલા વજનના કુલ 33 સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેનું કુલ વજન 3 કિલો 840 ગ્રામ થાય છે અને તેની અંદાજિત બજાર કિંમત આશરે ₹4 કરોડ 29 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, બોક્સમાં સુરક્ષિત રીતે પેક કરેલા ₹500 ના દરની ચલણી નોટોના બંડલમાંથી ₹24 લાખ 22 હજાર 500 ની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. માઓવાદી સંગઠનની આર્થિક કમર તોડવાની દ્રષ્ટિએ આ કાર્યવાહીને અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે જંગલની આડમાં છુપાવાયેલી આ મોટી રકમ સંગઠનની નાણાકીય વ્યવસ્થા અને હથિયાર-સામગ્રીના પુરવઠા સાથે જોડાયેલી હોવાની પૂરી શક્યતા છે.

બીજાપુર જિલ્લામાં માઓવાદીઓના ગુપ્ત ઠેકાણાઓ અને ડમ્પ સામે ચાલી રહેલી સતત કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએથી કુલ 12 કિલો 340 ગ્રામ સોનું અને ₹8.24 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી ચૂકી છે. તાજેતરમાં જપ્ત કરાયેલા આ સોનાના બિસ્કિટ અને રોકડના સ્ત્રોત અંગે હવે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ ખજાનો કયા માઓવાદી કમાન્ડર કે નેટવર્કનો હતો, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા મોટા ષડયંત્ર કે કાર્યવાહી માટે તેનો ઉપયોગ થવાનો હતો.

(7:21 PM IST)