<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

લાફો મારતા ઉશ્‍કેરાઈ ગઈ પત્‍નીઃ પથ્‍થરથી પતિનું માથું કચડી નાખ્‍યું

પ્રેમ લગ્ન, ઘર કંકાસ અને હત્‍યા!

પ્રયાગરાજ,તા.૧૪: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઘર કંકાસ બાદ એક પત્‍નીએ પોતાના પતિની ક્રૂરતાથી હત્‍યા કરી નાખી. યમુનાનગરના શંકરગઢ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બનેલી ઘટનાનો વીડિયો સામે આવ્‍યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પતિએ વિવાદ દરમિયાન પત્‍નીને લાફો ઝીંકી દીધો હતો. તેથી ગુસ્‍સામાં આવેલી મહિલાએ પાસે રહેલા પથ્‍થરથી તેના માથામાં ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના લીધે પતિનું ઘટનાસ્‍થળે જ મોત થઈ ગયું હતું. પોલીસે આરોપી પત્‍નીની ધરપકડ કરી જેલ હવાલે કરી છે.

જાણકારી અનુસાર આ ૯ નવેમ્‍બર બપોરના આશરે સાડા ત્રણ વાગ્‍યાની છે. મૃતકની ઓળખ શેખર બંસલ (ઉં.વ. ૩૫) તરીકે થઈ છે. જ્‍યારે આરોપી પત્‍નીનું નામ ઉર્મિલા કેવટ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ બંને વચ્‍ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન શેખરે ગુસ્‍સામાં આવીને ઉર્મિલાને લાફો મારી દીધો હતો. ત્‍યાર બાદ ગુસ્‍સામાં ઉર્મિલાએ પાસે પડેલા પથ્‍થરથી શેખરના માથા પર ઉપરાછાપરી ઘા માર્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ શેખરનું ઘટનાસ્‍થળે જ મોત થઈ ગયું હતું. હવે આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્‍યા પછી આખા વિસ્‍તારમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસ અનુસાર, શેખર બંસલે ઉર્મિલા કેવટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને સાથે રહેતા હતા અને ઉર્મિલા પોતાના દીકરા સાથે શેખરના ઘરમાં રહેતી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્‍યું છે કે, શેખરને દારૂ પીવાની લત હતી. આ વાતને લઈને પતિ-પત્‍ની વચ્‍ચે હંમેશા વિવાદ થતો રહેતો.

ઘટના બાદ શંકરગઢ પોલીસ સ્‍ટેશનમાં હત્‍યાની કલમ લગાવી કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરતા આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી અને ૧૧ નવેમ્‍બરે ઉર્મિલા કેવટની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ પોલીસે ઉર્મિલાને અદાલતમાં હાજર કરી, જ્‍યાંથી તેને ન્‍યાયિક હિરાસતમાં જેલમાં મોકલવામાં આવી છે. પોલીસ આ ઘટના સંબંધિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આ વચ્‍ચે ઘટનાનો વીડિયો પણ સામે આવ્‍યો છે.

(10:04 AM IST)