<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

૧૦ દિવસ પહેલા જ ખુલેલા તનિષ્‍કના શોરૂમમાંથી ૨૫ કરોડથી વધુના ઘરેણાં ગાયબ

તમિલનાડુના મદુરાઇમાં સ્‍થિત તનિષ્‍ક જ્‍વેલરી શોરૂમમાંથી લગભગ ૧૬ કિલો સોનું અને હીરાના ઘરેણાંની ચોરી

મદુરાઇ તા.૧૩: તમિલનાડુના મદુરાઇમાં સ્‍થિત તનિષ્‍ક જ્‍વેલરી શોરૂમમાંથી લગભગ ૧૬ કિલો સોનું અને હીરાના ઘરેણાંની ચોરી થઇ છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, મદુરાઇના કાલાવાસલ બાયપાસ રોડ પર તનિષ્‍કનો નવો શોરૂમ ખુલ્‍યો હતો, જ્‍યાં અજાણ્‍યા ચોર ગયા હતા અને કિમતી સોના અને હીરાના ઘરેણાં લઇને ફરાર થઇ ગયા હતા. ૨૫ કરોડ કરતા વધુના ઘરેણાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

CCTV ફૂટેજમાં ૧૧ નવેમ્‍બરે એક બુકાનીધારી વ્‍યક્‍તિ ટ્રોલી બેગ લઇ જતા જોવા મળ્‍યો હતો. ટાટા ગ્રુપના તનિષ્‍ક બ્રાંડનો આ શો રૂમ માત્ર ૧૦ દિવસ પહેલા જ ખુલ્‍યો હતો. જોકે, બિલ્‍ડિંગનું નિર્માણકામ હજુ પૂર્ણ થયું નહતું. અહીં લગભગ ૩૦ ટકા કામ બાકી હતું. આ સ્‍ટોરનું મેનેજમેન્‍ટ શક્‍તિ નામનો શખ્‍સ કરતો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર, ચોરીની આ ઘટના વહેલી સવારે ૩ વાગ્‍યે બની હતી. ૧૦ નવેમ્‍બરની રાત્રે સ્‍ટાફ શોરૂમમાં તાળુ મારીને ઘરે જતો રહ્યો હતો અને જ્‍યારે બીજા દિવસે સવારે પરત આવ્‍યો ત્‍યારે ઘરેણાં રાખનારી ડિસપ્‍લે કેસ તૂટેલા હતા અને ઘરેણાં ગાયબ હતા.

તે બાદ સ્‍ટાફે એસએસ કોલોની પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ સીનિયર પોલીસ અધિકારી, ફિગરપ્રિન્‍ટના જાણકાર અને સ્‍નિફર ડોગ સ્‍કવોર્ડ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા અને તપાસ હાથ ધરી હતી. મદુરાઇ સિટી પોલીસ કમિશનર રાજેન્‍દ્રને ઇનિગો દિવ્‍યન અને વનિતા સાથે શોરૂમની મુલાકાત લીધી હતી અને તપાસની સમીક્ષા કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું કે ચોરોએ ઉપરના માળ સુધી પહોંચવા માટે બિલ્‍ડિંગના પાછળના ભાગમાં નિર્માણ કાર્ય માટે લગાવવામાં આવેલા લોખંડની સ્‍કેફોલ્‍ડિંગનો ઉપયોગ કર્યો હતો. તે શો રૂમની અંદર તે શાફટ દ્વારા દાખલ થયા જેને લિફટ માટે બનાવવામાં આવ્‍યો હતો, જે હજુ ચાલુ થઇ નથી. આરોપીઓએ જ્‍વેલરી રાખવાની જગ્‍યા સુધી પહોંચવા માટે અંદરની દિવાલો અને દરવાજા તોડી નાખ્‍યા હતા.

પોલીસ અનુસાર, શો રૂમમાં લગભગ ૪૮ કિલોગ્રામ જ્‍વેલરી ડિસપ્‍લે પર રાખવામાં આવી હતી જેમાંથી આશરે ૩૦ ટકા એટલે કે ૧૬ કિલોગ્રામ જ્‍વેલરી ચોરી થઇ ગઇ હતી. આ વચ્‍ચે પોલીસે લૂંટમાં સામેલ લોકોને શોધવા માટે ત્રણ સહાયક કમિશનરની દેખરેખમાં ૯ ઇંસ્‍પેક્‍ટરોની સ્‍પેશ્‍યલ ટીમ બનાવી છે. રાજેન્‍દ્રને પત્રકારો સાથે વાત કરતા જણાવ્‍યું, પ્રાથમિક તપાસમાં સંકેત મળે છે કે ત્રણ લોકો સ્‍ટોરના પાછળના ભાગમાં એક દીવાલ અને દરવાજો તોડીને અંદર દાખલ થયા હતા. ચોરી થયેલી જ્‍વેલરીનું સચોટ વજન અને કિમત જાણવા તપાસ ચાલી રહી છે.

જ્‍યારે પત્રકારોએ પૂછ્‍યુ કે શું તપાસમાં આ સંભાવના જોઇ શકાય છે કે તેમાં સ્‍ટોરના કર્મચારી સામેલ હોઇ શકે છે તો રાજેન્‍દ્રને કહ્યું કે અત્‍યારે કોઇ પરિણામ પર પહોંચવું ઉતાવળભર્યું હશે. જ્‍યાર સુધી તપાસ પૂર્ણ નથી થતી ત્‍યાર સુધી કહી ના શકાય કે તેમાં કોણ-કોણ સામેલ છે.

CCTV ફૂટેજની તપાસ કરવા પર પોલીસને જાણવા મળ્‍યું કે એક શખ્‍સ માસ્‍ક પહેરેલો દેખાય છે અને તેના હાથમાં એક કાળી બેગ તથા ટ્રોલી બેગ હતી. પોલીસે જણાવ્‍યું કે આ ફૂટેજના આધાર પર તે વ્‍યક્‍તિની ઓળખનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં શક હતો કે ચોરી કેટલાક લોકોએ મળીને કરી છે પરંતુ હવે પોલીસ આ સંભાવનાની પણ તપાસ કરી રહી છે કે કોઇ એક વ્‍યક્‍તિએ આ યોજના બનાવી અને ઘટનાને અંજામ આપ્‍યો હોઇ શકે છે. જોકે, ફૂટેજમાં દેખાઇ રહેલા વ્‍યક્‍તિની ઓળખ અને ચોરીમાં તેની ભૂમિકા હજુ સુધી સ્‍પષ્ટ થઇ શકી નથી

(3:42 PM IST)