<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

ડ્રોન યુગના પડકારો સામે લોખંડી ઢાલ: ચીનનું નવું VT-4B ટેન્ક પાકિસ્તાનની તાકાતમાં કરશે વધારો!

યુદ્ધક્ષેત્રના બદલાતા સમીકરણો વચ્ચે ચીને તેની અત્યાધુનિક VT-4 ટેન્કનું નવું અને ઘાતક 'B' વર્ઝન રજૂ કર્યું : જેમાં એન્ટી-ડ્રોન શસ્ત્રો અને હાઇ-ટેક સેન્સર્સ ઉમેરીને તેની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરવામાં આવ્યો

બેઇજિંગ :  આધુનિક યુદ્ધક્ષેત્રમાં ડ્રોન અને FPV (ફર્સ્ટ પર્સન વ્યુ) ડ્રોન હુમલાઓના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને, ડ્રેગન એટલે કે ચીને તેના મુખ્ય યુદ્ધ ટેન્ક VT-4નું અપગ્રેડેડ વર્ઝન 'VT-4B' વિકસાવ્યું છે. આગામી 7 થી 13 ડિસેમ્બર દરમિયાન ઝુહાઈમાં યોજાનારા 16મા ચાઇના ઇન્ટરનેશનલ એવિએશન અને એરોસ્પેસ પ્રદર્શનમાં આ ઘાતક મશીનને સત્તાવાર રીતે પ્રદર્શિત કરવામાં આવશે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (SCMP)ના અહેવાલ મુજબ, આ નવા સંસ્કરણમાં પહેલા કરતા વધુ મજબૂત બખ્તર, આધુનિક ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર પોડ અને ખાસ કરીને 30mmનું વિશાળ રિમોટલી ઓપરેટેડ વેપન સ્ટેશન જોડવામાં આવ્યું છે, જે પરંપરાગત 12.7mm મશીનગનને બદલે દુશ્મનના ડ્રોન અને ફરતા દારૂગોળાને હવામાં જ તોડી પાડવા માટે સક્ષમ છે.

પાકિસ્તાન માટે આ વિકાસ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તેનું સશસ્ત્ર સૈન્ય દળ મોટા પાયે ચીની સંરક્ષણ સાધનો પર નિર્ભર છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના ડેટા અનુસાર, પાકિસ્તાને અગાઉ અંદાજે 679 VT-4 ટેન્ક ખરીદવા માટે કરાર કર્યા હતા, જેમાંથી ઘણી ટેન્કોને 'હૈદર' નામ આપીને પાકિસ્તાનમાં જ એસેમ્બલ કે ઉત્પાદિત કરવામાં આવી છે. પાકિસ્તાન તેની સૈન્ય જરૂરિયાતો માટે લગભગ 80% હથિયારો ચીન પાસેથી મેળવે છે, ત્યારે ચીન દ્વારા રજૂ કરાયેલું આ નવું VT-4B વેરિઅન્ટ પાકિસ્તાની સેનાના જૂના કાફલાને વધુ આધુનિક બનાવવાની દિશામાં નવો વળાંક આપી શકે છે, જોકે ઇસ્લામાબાદ આ અપગ્રેડને અપનાવશે કે કેમ તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા બાકી છે.

આ નવા અપગ્રેડની સૌથી મોટી વિશેષતા તેની ઉચ્ચ બેન્ડવિડ્થ ડેટા લિંક્સ અને ઓટોમેટેડ ટાર્ગેટ એક્વિઝિશન સિસ્ટમ છે, જે યુદ્ધભૂમિ પર અન્ય સૈન્ય એકમો સાથે રીઅલ-ટાઇમ કોમ્યુનિકેશન અને સચોટ લક્ષ્ય સાધવામાં મદદ કરે છે. જોકે આ ટેન્કોએ હજુ સુધી વાસ્તવિક યુદ્ધક્ષેત્રની પરિસ્થિતિઓમાં પોતાની કાર્યક્ષમતા સાબિત કરવાની બાકી છે, પરંતુ આ વૈશ્વિક પ્રદર્શનમાં તેનું આગમન એ વાતની સાક્ષી પૂરે છે કે ભવિષ્યના યુદ્ધોમાં ડ્રોન અને ટેન્ક વચ્ચેનો મુકાબલો કેવો રોમાંચક અને વિનાશક બનશે.

(10:15 PM IST)