તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
આંતરરાષ્ટ્રીય મંચ પર દેશને બદનામ કરવાથી સત્તા નહીં મળે:પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રીએ રાહુલ ગાંધીને વિદેશ પ્રવાસ બંધ કરી ગામડાઓમાં જવાની સલાહ આપી અને કહ્યું કે પીએમ મોદીના 12 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લાગ્યો નથી જ્યારે કોંગ્રેસે 12 લાખ કરોડના કૌભાંડો કર્યા

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હૈદરાબાદમાં યોજાયેલી કોંગ્રેસની ભારત સમિટને લઈને રાહુલ ગાંધીને આકરો જવાબ આપ્યો છે. પુણેના એક કાર્યક્રમમાં અમિતભાઈ શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ દેશને બદનામ કર્યો છે અને જો તેઓ ચૂંટણી જીતવા માંગતા હોય તો વિદેશ જવાનું છોડીને ગામડાઓમાં જવાનું શરૂ કરે.
અમિતભાઇ શાહે કોંગ્રેસના કાર્યકરોને પણ સંદેશ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અલગ-અલગ રીતે સતત 3 વખત હારવાનો ગુસ્સો કાઢી રહી છે, કારણ કે હૈદરાબાદમાં ભારત સમિટ 2026 નું આયોજન કરીને દેશભરમાંથી ડાબેરી વિચારધારાના પ્રચારકોને બોલાવવામાં આવ્યા અને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારત વિરોધી વિચારો રજૂ કરીને સમગ્ર વિશ્વમાં ભારતને બદનામ કરવાનું કામ કરવામાં આવ્યું છે.
અમિતભાઈ શાહે સંબોધન કરતા કહ્યું હતું કે તેઓ આજે આ મંચ પરથી મહારાષ્ટ્રની જનતા અને દેશભરના લોકોને કહેવા આવ્યા છે કે જ્યાં પણ કોંગ્રેસીઓ મળે તેમને પૂછો કે ચૂંટણી લડવી, હારવી કે જીતવી એ પાર્ટીના નેતાઓના પ્રદર્શન પર નિર્ભર કરે છે. તેમણે વધુમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશની જનતાએ કોંગ્રેસને 10 વર્ષનો મોકો આપ્યો હતો, પરંતુ તેમણે 12 લાખ કરોડના ગોટાળા અને ભ્રષ્ટાચાર કર્યા હતા. આખરે દેશની જનતાએ તેમનો હાથ પકડીને દિલ્હીની સરકારમાંથી બહાર કાઢી મૂક્યા અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા, જેમની પર 12 વર્ષના શાસનમાં ચાર આનાના ભ્રષ્ટાચારનો પણ આરોપ લાગ્યો નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે કૃષિ ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક વિકાસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાની વાત હોય કે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઊભી કરવાની વાત હોય, દરેક ક્ષેત્રમાં દેશ આગળ વધ્યો છે. આ ઉપરાંત રેલવેનો કાયાકલ્પ કરવો, દેશમાં 76 એરપોર્ટથી વધારીને 150 એરપોર્ટ બનાવવા, સૌથી મોટું મેટ્રો નેટવર્ક ઊભું કરવું, નવી શિક્ષણ નીતિ લાવવી અને સહકારિતા મંત્રાલયની રચના કરવી, આ તમામ ઐતિહાસિક કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળમાં જ પૂર્ણ થયા છે.
અમિતભાઈ શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને સલાહ આપવા માંગે છે કે આ રીતે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને બદનામ કરવાથી તેમને સત્તા નહીં મળે. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે જો સત્તા જોઈતી હોય તો વિદેશની યાત્રાઓ બંધ કરીને ભારતના ગામડાઓમાં જવાનું શરૂ કરો તો કદાચ ક્યારેક તમારો નંબર લાગી જાય. સમગ્ર વિશ્વ જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી રહ્યું છે, તે નરેન્દ્ર મોદી અને ભારતની વિકાસ યાત્રાને દુનિયામાં બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે, પરંતુ જો કોંગ્રેસના કાર્યકરો આ જ દિશામાં તેમની પાછળ ચાલશે તો આગામી 30 વર્ષ સુધી તેમનો નંબર લાગવાનો નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે પક્ષ હોય કે વિપક્ષ કે કોઈપણ રાજકીય પક્ષ હોય, શું આંતરરાષ્ટ્રીય સમિટમાં ભારત અને ભારતના વડાપ્રધાનને બદનામ કરી શકાય ખરા?
અમિતભાઈ શાહે કહ્યું હતું કે આખો દેશ ઈચ્છે છે કે રાહુલ ગાંધી જમીન પર આવે અને ગામડાઓમાં જાય, પરંતુ તેઓ થોડા દિવસમાં ફરીથી વિદેશ જતા રહેશે અને આ રીતે તેમની સત્તાની આકાંક્ષા પૂરી નહીં થાય. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત, ભારતની વિકાસગાથા, લોકશાહી અને વડાપ્રધાનને બદનામ કરવાના પ્રયાસની ઘોર નિંદા કરતા તેમણે જનતાને આગામી ચૂંટણીમાં તેનો જવાબ આપવા અપીલ કરી હતી, જ્યારે અગાઉ પણ SIR પર ચર્ચાના પડકાર મુદ્દે શાહે રાહુલ ગાંધીને સંસદમાં આવીને ચર્ચા કરવા જણાવ્યું હતું.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
