<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકર્યો, મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે ભંડોળમાં ભેદભાવના આરોપ સાથે બળવાના સૂર

મંત્રી કોંડા સુરેખા બાદ ધારાસભ્ય રાજગોપાલ રેડ્ડીની કુરુક્ષેત્ર જેવી લડાઈની ચેતવણી, બંને નેતાઓ વચ્ચે જાહેર નિવેદનો અને સોશિયલ મીડિયા પર તીવ્ર શબ્દયુદ્ધ

હૈદરાબાદ : તેલંગાણામાં શાસક કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલ આંતરિક વિવાદ વધુ ગંભીર બન્યો છે, જેના કારણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પક્ષની અંદરથી થઈ રહેલી ટીકાઓ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાજ્યમંત્રી કોંડા સુરેખા બાદ હવે મુનુગોડેના ધારાસભ્ય રાજગોપાલ રેડ્ડીએ પણ મુખ્યમંત્રી સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. રાજગોપાલ રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે સરકારી ભંડોળના વિતરણમાં રેવંત રેડ્ડી સરકાર તેમના વિસ્તાર સાથે ભેદભાવ કરી રહી છે અને જો ભંડોળ રોકવામાં આવશે તો બીજી "કુરુક્ષેત્ર જેવી લડાઈ" ફાટી નીકળશે તેવી ચેતવણી આપી છે.

આંતરિક ખેંચતાણ સપાટી પર આવ્યા બાદ ગુરુવારે એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ નામ લીધા વિના રાજગોપાલ રેડ્ડી પર નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેટલાક નેતાઓ જાહેરમાં સરકારની ટીકા કરે છે પરંતુ ખાનગીમાં તેની પ્રશંસા કરે છે. મુખ્યમંત્રીના આ કટાક્ષ બાદ તેલંગાણાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને બંને નેતાઓ વચ્ચેનું શબ્દયુદ્ધ વધુ તીવ્ર બન્યું હતું.

મુખ્યમંત્રીના નિવેદનના વળતા જવાબમાં શુક્રવારે ધારાસભ્ય રાજગોપાલ રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, "ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વરિષ્ઠ નેતાઓએ આદર સાથે બોલવું જોઈએ. તેમણે સમજવું જોઈએ કે લોકો સત્તાના ઘમંડથી ખુશ નથી. તેલંગાણાના લોકો અને ઇતિહાસ સત્તાનો દુરુપયોગ કરનારા શાસકોને ક્યારેય માફ કરશે નહીં."

તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદથી જ મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો વચ્ચે ભંડોળ તથા વહીવટી નિર્ણયોને લઈને અસંતોષના અહેવાલો સમયાંતરે સામે આવતા રહ્યા છે. હાલમાં પક્ષના બે મોટા નેતાઓ વચ્ચે જાહેરમાં શરૂ થયેલા આ વાકયુદ્ધથી સરકારની છબી અને પક્ષની એકતા સામે સવાલો ઊભા થયા છે, ત્યારે હવે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ આંતરિક વિખવાદને શાંત પાડવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકી છે.

(11:38 AM IST)