<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ઓક્‍ટોબરમાં ભારતની ગુડ્‍સ નિકાસ ૪૯.૪૭ અબજ ડોલરની નવી ટોચે

નિકાસમાં વાર્ષિક ધોરણે ૪૫ ટકાની વૃદ્ધિઃ ઓક્‍ટોબરમાં આયાત વધીને વિક્રમજનક ૮૯.૩૫ અબજ ડોલરઃ વેપાર ખાધ વધીને ૩૯.૮૮ અબજ ડોલર

નવી દિલ્‍હી,તા.૧૪: ભારતની વેપાર ખાધ ઓક્‍ટોબરમાં વધીને ૩૯.૮૮ અબજ ડોલર થઇ ગઇ છે. જે છેલ્‍લા ૧૨ મહિનાનાં ઉચ્‍ચ સ્‍તરે છે. આ દરમિયાન વસ્‍તુઓની આયાત વિક્રમજનક ૮૯.૩૫ અબજ ડોલર રહી છે. બીજી તરફ ભારતની નિકાસ પણ અત્‍યાર સુધીની સૌથી વધુ ૪૯.૪૭ અબજ ડોલર રહી છે. વાર્ષિક ધોરણે નિકાસમાં ૪૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

ગયા વર્ષે ઓક્‍ટોબરમાં ભારતની વેપાર ખાધ ૪૨.૫૮ અબજ ડોલર રહી હતી. તે વખતે આયાત ૭૬.૬૯ અબજ ડોલર રહી હતી.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં પ્રથમ સાત મહિના એટલે કે એપ્રિલથી ઓક્‍ટોબર દરમિયાન કુલ નિકાસ ૩૦૯.૦૬ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષનાં સમાન ગાળા કરતા ૨૨ ટકા વધારે છે.

આ સમયગાળામાં કુલ આયાત ૧૬ ટકા વધીને ૫૨૭.૨૧ અબજ ડોલર રહી છે. આ રીતે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નાં પ્રથમ સાત મહિનાઓમાં દેશની વેપાર ખાધ ૨૧૮.૧૫ અબજ ડોલર રહી છે.

વાણિજય વિભાગનાં અંદાજ અનુસાર ભારતની સેવા નિકાસ વાર્ષિક ધોરણે ૧૫ ટકા વધીને ૪૦.૫૧ અબજ ડોલર રહી છે. જ્‍યારે સેવા આયાતમાં ૧૭ ટકા વૃદ્ધિનો અંદાજ છે. આ દરમિયાન સેવા આયાત ૨૦.૭૨ અબજ ડોલર રહેવાનો અંદાજ મૂકવામાં આવ્‍યો છે.

નિકાસમાં વૃદ્ધિને કારણે ભારતને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલા નિકાસનાં ૧ લાખ કરોડ ડોલરનાં લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ મળશે. આ લક્ષ્યાંકમાં વસ્‍તુઓ અને સેવાઓ બંનેની નિકાસ સામેલ છે.

(10:01 AM IST)