News of Monday, 16th November 2026
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારતનો દબદબો યથાવત : આઈસીસીના ચેરમેન પદે જય શાહની બીજી ટર્મ માટે બિનહરીફ પુનઃનિયુક્તિ
બાલી ખાતે યોજાયેલી આઈસીસી બોર્ડની બેઠકમાં ડિરેક્ટરોના પ્રસ્તાવ પર સર્વાનુમતે લેવાયો નિર્ણય : લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં ક્રિકેટના પુનરાગમન, મહિલા ક્રિકેટના વિકાસ અને વૈશ્વિક વિસ્તરણ માટે જય શાહનું નેતૃત્વ અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડના વડાઓ

બાલી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના ચેરમેન પદે જય શાહની બીજી મુદત માટે બિનહરીફ પુનઃનિયુક્તિ કરવામાં આવી છે. બાલી ખાતે યોજાયેલી આઈસીસી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં ડિરેક્ટરો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ બાદ વૈશ્વિક સંચાલક મંડળે આ જાહેરાત કરી છે. ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ, ચાહકોની વધતી સંખ્યા અને વ્યાવસાયિક વિકાસના નિર્ણાયક તબક્કે બોર્ડે જય શાહના નેતૃત્વમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ઓલિમ્પિક ૨૦૨૮ અને લાંબા ગાળાના કાર્યક્રમો પર વિશેષ ભાર:
ક્રિકેટની રમત હવે લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં પુનરાગમન કરવાની તૈયારી કરી રહી છે અને તાજેતરમાં જ સ્પર્ધાઓ માટે વિસ્તૃત લાંબા ગાળાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. આઈસીસી બોર્ડે ક્રિકેટના પાયા મજબૂત કરવા, મહિલા ક્રિકેટના સતત વિકાસને ટેકો આપવા, એસોસિયેટ સભ્યો માટે તકો વધારવા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અખંડિતતા જાળવવા અને રમતના ઉજ્જવળ ભવિષ્ય માટે ટકાઉ વ્યાવસાયિક તકો ઊભી કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.
પુનઃનિયુક્તિ બાદ જય શાહનો સંકલ્પ:
આઈસીસી ચેરમેન જય શાહે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આઈસીસી બોર્ડે તેમનામાં મૂકેલા વિશ્વાસ અને દરેક ડિરેક્ટરના સતત સમર્થન બદલ તેઓ અત્યંત ગૌરવ અને કૃતજ્ઞતા અનુભવે છે. તેમણે કહ્યું કે આઈસીસીના ચેરમેન તરીકે સેવા આપવી એ સન્માનની સાથે મોટી જવાબદારી પણ છે. આપણે રમતના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને રોમાંચક તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં ઓલિમ્પિક ૨૦૨૮માં ક્રિકેટનો પ્રવેશ નવા પ્રેક્ષકો અને નવી પેઢીના ખેલાડીઓને પ્રેરિત કરવાની અસાધારણ તક પૂરી પાડે છે. તેમણે ચાહકો, ખેલાડીઓ અને વ્યાવસાયિક ભાગીદારો પર ધ્યાન કેન્દ્રિત કરીને આવનારી પેઢીઓ માટે કાયમી વારસો છોડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વિશ્વભરના ક્રિકેટ બોર્ડના વડાઓએ આવકાર્યો નિર્ણય:
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ચેરમેન રિચાર્ડ થોમ્પસને જય શાહને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઝડપી પરિવર્તનના સમયમાં દ્વિપક્ષીય શ્રેણીઓની સ્પર્ધાત્મકતા જાળવી રાખવા અને પરંપરા તથા નવીનતા વચ્ચે સંતુલન સાધવા તેમનું નેતૃત્વ ખૂબ જરૂરી છે. આઈસીસીના સ્વતંત્ર ડિરેક્ટર ડૉ. રોઝ રિવાઝે મહિલા ક્રિકેટના વૈશ્વિક વિકાસ અને દરેક ક્ષેત્રમાં મહિલા ક્રિકેટરોને ટેકો આપવાના જય શાહના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આફ્રિકા અને એસોસિયેટ દેશોમાં ક્રિકેટનો થશે વ્યાપ:
આઈસીસીના ડેપ્યુટી ચેરમેન અને ઝિમ્બાબ્વે ક્રિકેટના ચેરમેન તાવેંગ્વા મુકુહલાનીએ જણાવ્યું કે જય શાહે તમામ સભ્યોને એક સહિયારા વિઝન હેઠળ એકત્રિત કર્યા છે, અને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૭ આફ્રિકન ખંડમાં ક્રિકેટના વિકાસ પર કાયમી અસર છોડશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટના ડિરેક્ટર રોજર ટ્વોસે ઓલિમ્પિક ૨૦૨૮ તરફ આગળ વધતા ક્રિકેટના તમામ ફોર્મેટમાં વૈશ્વિક વૃદ્ધિ માટે આ નિયુક્તિને મહત્વપૂર્ણ ગણાવી હતી. જ્યારે આઈસીસી એસોસિયેટ મેમ્બર ચેર ગુરુમૂર્તિ પલાનીએ ઉમેર્યું કે ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણથી એસોસિયેટ સભ્યોને ઉચ્ચ સ્તરીય સ્પર્ધા અને મજબૂત માળખાકીય સુવિધાઓની નક્કર તકો પ્રાપ્ત થશે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
