News of Saturday, 21st November 2026
ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નૂની હત્યા કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની જેલની સજા
નિખિલે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો:સુનાવણી દરમિયાન પન્નૂ, શીખ સમુદાય તથા તેની સાથે જોડાયેલા લોકોની માફી માગી

અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. નિખિલે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો અને સુનાવણી દરમિયાન પન્નૂ, શીખ સમુદાય તથા તેની સાથે જોડાયેલા લોકોની માફી માગી હતી.
અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શુક્રવારે 55 વર્ષીય નિખિલ ગુપ્તાને સજા સંભળાવવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્ટર મારેરોએ લગભગ 80 મિનિટની સુનાવણી બાદ 19 વર્ષ અને 7 મહિનાની જેલનો ચુકાદો આપ્યો હતો.
નિખિલે આ વર્ષની શરૂઆતમાં હત્યા માટે સોપારી આપવી, હત્યાનું કાવતરું ઘડવું અને મની લોન્ડરિંગના આરોપો કબૂલ કર્યા હતા. સજા સંભળાવતી વખતે તેણે કોર્ટમાં પોતાના કૃત્ય બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.
પન્નૂ અને શીખ સમુદાયની માફી માગી
નિખિલ ગુપ્તાએ કોર્ટમાં લગભગ 6 મિનિટ સુધી અંગ્રેજીમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે મહાત્મા ગાંધી, મધર ટેરેસા, નેલ્સન મંડેલા અને માર્ટિન લૂથર કિંગ જેવા મહાન નેતાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે તેમના બતાવેલા માર્ગ પર ચાલવા ઇચ્છતો હતો.
ત્યારબાદ પન્નૂ તરફ જોઈને નિખિલે કહ્યું કે તેણે જે કર્યું છે તેને હવે બદલી શકતો નથી, પરંતુ તેને પોતાના કૃત્યનો અફસોસ છે. તેણે પન્નૂ, શીખ સમુદાય અને તેમની સાથે જોડાયેલા લોકોની માફી માગી હતી.
આ દરમિયાન નિખિલ ભાવુક પણ થઈ ગયો હતો. તેણે જણાવ્યું કે તેના કેસના કારણે તેની પત્ની, માતા અને બાળકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તેઓ આ મામલામાં સામેલ નથી.
કોર્ટમાં પન્નૂએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે જણાવ્યું કે હત્યાના કાવતરાનો ખુલાસો થયા બાદથી 1200 દિવસથી વધુ સમયથી તે સામાન્ય રીતે વકીલાતનું કામ કરી શક્યો નથી.
પન્નૂએ લગભગ 20 મિનિટ સુધી પોતાની વાત રજૂ કરી હતી. જોકે, ન્યાયાધીશે તેને ટૂંકમાં રજૂઆત કરવા જણાવ્યું હતું, જેથી સુનાવણી આગળ વધારી શકાય.
સુનાવણી પહેલાં પન્નૂના સમર્થકો ન્યૂયોર્કની કોર્ટ બહાર એકત્ર થયા હતા. તેઓ નિખિલ ગુપ્તા અને કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોનાં પૂતળાં લઈને પહોંચ્યા હતા. સુનાવણી દરમિયાન પન્નૂ સહિત શીખ સમુદાયના ઘણા લોકો કોર્ટમાં હાજર રહ્યા હતા.
કોર્ટે નિખિલ ગુપ્તાને સજા પૂર્ણ થયા બાદ દેખરેખ હેઠળ મુક્ત કરવાનો આદેશ આપ્યો નથી. ન્યાયાધીશે જણાવ્યું હતું કે જેલની સજા પૂરી થયા બાદ તેને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
નિખિલના વકીલોએ કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. તેઓ ઓછા સમયની સજાની આશા રાખી રહ્યા હતા.
અમેરિકાની અદાલતમાં રજૂ થયેલા દસ્તાવેજો અનુસાર, વર્ષ 2023માં નિખિલ ગુપ્તાએ ભારત અને અન્ય દેશોમાં રહેલા કેટલાક લોકો સાથે મળીને પન્નૂની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરામાં વિકાસ યાદવનું નામ પણ સામે આવ્યું હતું.
આરોપ મુજબ, વિકાસ યાદવના કહેવાથી નિખિલે એક એવા વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જેને તે ગુનાહિત ગેંગ સાથે જોડાયેલો માનતો હતો. જોકે, વાસ્તવમાં આ વ્યક્તિ અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA)નો બાતમીદાર હતો.
નિખિલે તેની પાસે ન્યૂયોર્કમાં પન્નૂની હત્યા કરવા માટે શૂટરની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હત્યા માટે 1 લાખ ડૉલર ચૂકવવાની વાત થઈ હતી. 9 જૂન, 2023ની આસપાસ નિખિલ અને વિકાસે એક સાથી મારફતે 15 હજાર ડૉલરની રોકડ રકમ એડવાન્સ તરીકે પણ મોકલી હતી.
આ મામલે પન્નૂએ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને RAWના પૂર્વ પ્રમુખ સામંત ગોયલ સામે અમેરિકામાં અલગથી કેસ દાખલ કર્યો છે. પન્નૂએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યાના કાવતરામાં આ લોકો સામેલ હતા.
13 નવેમ્બરે ન્યૂયોર્કની દક્ષિણ જિલ્લા અદાલતે કેસ સંબંધિત સમન્સ અને અન્ય દસ્તાવેજો ભારતની અદાલતો મારફતે સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો. અજિત ડોભાલ માટે પટિયાલા હાઉસ કોર્ટ અને સામંત ગોયલ માટે દ્વારકા તથા તીસ હજારી કોર્ટની મદદ માગવામાં આવી છે.
જોકે, નિખિલ ગુપ્તાના વકીલ કિર્શનરે સ્પષ્ટ કર્યું હતું કે પન્નૂ દ્વારા દાખલ કરવામાં આવેલો આ અલગ કેસ નિખિલના ફોજદારી કેસથી અલગ છે અને તેની સજા અંગેની સુનાવણી સાથે તેનો સીધો સંબંધ નથી.
ભારત સરકારે પન્નૂની હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપોને સતત નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે 10 નવેમ્બરે જણાવ્યું હતું કે ભારત પોતાના વરિષ્ઠ અધિકારીઓ સામે લગાવવામાં આવેલા આરોપોને ફગાવે છે. તેમણે પન્નૂ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને પણ પાયાવિહોણો ગણાવ્યો હતો.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
