તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 15th November 2026
મુંબઈમાં ગેરકાયદેસર ડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ, પવઈમાંથી 3 શખ્સોની ધરપકડ સાથે 41.62 લાખનો મુદ્દામાલ જપ્ત
હીરાનંદાનીના કોપરી વિસ્તારમાં આરક્ષિત પાર્કિંગ જગ્યા પર ચાલતા કુખ્યાત રેકેટ પર પોલીસની સફળ રેડ, વિપુલ પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ કબ્જે કરાયો

મુંબઈ : મુંબઈના પવઈ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો સંગ્રહ અને વેચાણ કરતા એક કુખ્યાત રેકેટનો પવઈ પોલીસે બાતમીના આધારે સફળ રેડ પાડીને પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૪,૫૦૦ લીટર ડીઝલ, ત્રણ વાહનો અને ઇલેક્ટ્રિક પંપ સહિત કુલ ૪૧ લાખ ૬૨ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ૧૩ નવેમ્બરની સવારે પવઈ પોલીસને હીરાનંદાનીના કોપરી વિસ્તારમાં આરક્ષિત પાર્કિંગ જગ્યા પર ગેરકાયદેસર રીતે ડીઝલના સંગ્રહ અંગે ગુપ્ત માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડીને અફરોજ અબ્દુલ બારી ખાન, મોહમ્મદ મોઈન નસીમ ખાન અને સાહેબાઝ ઇલિયાસ ખાન નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસે ડીઝલના સંગ્રહ કે વેચાણ માટેનું કોઈપણ પ્રકારનું સરકારી લાયસન્સ કે વેધ પરવાનગી નહોતી.
સ્થળ પર તપાસ કરતા ૧૫ ભરેલા લોખંડના ડ્રમ, ૧૫ ખાલી ડ્રમ, ત્રણ પિકઅપ વાહનો અને ડીઝલ બહાર કાઢવા માટેના મશીનરી સાધનો મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આ નેટવર્ક લાંબા સમયથી સક્રિય હતું. પકડાયેલા આરોપીઓ પૈકી મોહમ્મદ મોઈન નસીમ ખાન અગાઉ પણ આવા જ ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની સામે પેટ્રોલિયમ પદાર્થોની ચોરી તથા ગેરકાયદે સંગ્રહના અગાઉના કેસો પણ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો અને આ ડીઝલ ક્યાંથી ચોરી કરીને લાવવામાં આવતું હતું તથા આગળ ક્યાં સપ્લાય કરાતું હતું તે અંગે પવઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ તીવ્ર બનાવવામાં આવી છે. આગામી સમયમાં આ સપ્લાય ચેઈન સાથે જોડાયેલા અન્ય મોટા નામો પણ બહાર આવે તેવી પૂરી શક્યતા છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
