<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

પંજાબના તરનતારનમાં ભયાનક અકસ્માત: મુખ્યમંત્રી યાત્રાળુ યોજનાની બે બસો અથડાતા ૪ શ્રદ્ધાળુઓના કરુણ મોત : ૧૦ની હાલત ગંભીર!

ઘાયલોને લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા અફરાતફરી મચી

તરનતારન: પંજાબના તરનતારન જિલ્લામાં જમ્મુ-કાશ્મીર-રાજસ્થાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નૌશેરા પન્નુઆન શહેર નજીક એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ફિરોઝપુરથી અમૃતસર સ્થિત પવિત્ર શ્રી હરિમંદિર સાહિબના દર્શન માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી મુખ્યમંત્રી યાત્રાળુ યોજનાની બે બસો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાઇવે પર ડિવાઈડર ઓળંગી રહેલી એક મોટરસાઇકલને બચાવવા માટે આગળની બસના ડ્રાઇવરે અચાનક જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલી બીજી બસ તેમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો અને બસમાં સવાર ૪ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

અકસ્માતની જાણ થતા જ રોડ સેફ્ટી ફોર્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તરનતારનના સિવિલ સર્જન ડૉ. સંદીપ ધવને સમગ્ર વિસ્તારમાં તબીબી કટોકટી જાહેર કરીને તમામ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરી હતી તથા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તમામ ડોક્ટરોને ફરજ પર તૈનાત કરી દીધા હતા. આ દુર્ઘટનામાં એક ડઝન જેટલા મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૧૦ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

રાહત અને બચાવ કામગીરી દરમિયાન હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા નૌશેરા પન્નુઆનથી ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ જઈ રહેલી ત્રણ એમ્બ્યુલન્સ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એસએસપી સુરેન્દ્ર લાંબાએ પુષ્ટિ કરી હતી કે પોલીસ અધિકારીઓની વિશેષ ટીમને ઘટનાસ્થળે મોકલીને ટ્રાફિક હળવો કરવાની અને રાહત કાર્ય ઝડપી બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

(6:37 PM IST)