તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 29th November 2026
સિગારેટના નામે રૂ.88 કરોડનું GST કૌભાંડ: DGGI નો મોટો પર્દાફાશ, રૂ.150 કરોડની સિગારેટ પ્રતિબંધ હેઠળ
નકલી બિલો અને ITC દુરુપયોગ દ્વારા છેતરપિંડી: કોલકાતાના ફાલ્ટા SEZ માંથી 8.76 કરોડ સિગારેટ સ્ટીક મળી, રેકેટની સઘન તપાસ

પટના : સિગારેટના વેપારમાં નકલી GST રિફંડ મેળવવાના એક મોટા કૌભાંડનો GST ઇન્ટેલિજન્સ યુનિટ (DGGI) ના પટના ઝોનલ યુનિટે પર્દાફાશ કર્યો છે, જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ.88 કરોડથી વધુના બોગસ રિફંડ મેળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે આ રેકેટ નકલી કંપનીઓના નેટવર્ક મારફતે કાર્યરત હતું અને વાસ્તવિક માલ ખરીદ્યા વિના ડીલરો પાસેથી મેળવેલા બિલોના આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દુરુપયોગ કરીને કરચુકવણી ઘટાડવા તથા રિફંડ મેળવવાની રમત રમાતી હતી.
રેકેટ દ્વારા અજાણ્યા સ્ત્રોતોમાંથી હલકી ગુણવત્તાવાળી સિગારેટ મેળવીને તેને લેટર્સ ઓફ અંડરટેકિંગ (LUT) હેઠળ કોલકાતાના ફાલ્ટા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં મોકલવામાં આવતી હતી અને આ પુરવઠાને નિકાસ તરીકે દર્શાવી સંચિત ITC ના આધારે GST રિફંડનો દાવો કરાતો હતો. DGGI ની તપાસમાં ફાલ્ટા SEZ માં 8,410 કાર્ટન જેટલી આશરે 87.6 મિલિયન (8.76 કરોડ) સિગારેટ સ્ટીક્સ મળી આવી છે, જેની કુલ MRP રૂ.150 કરોડથી વધુ હોવાનો અંદાજ છે અને નકલી તથા નબળી ગુણવત્તાની શંકાને પગલે તેને પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવી છે.
નાણા મંત્રાલયના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં DGGI એ સિગારેટના ઉત્પાદન અને પુરવઠાને લગતા છ કેસ નોંધ્યા છે, જેમાં રૂ.160 કરોડથી વધુ કિંમતની 100.7 મિલિયનથી વધુ સિગારેટ સ્ટીક્સ ઉપરાંત ઉત્પાદન મશીનો, પેકેજિંગ સામગ્રી અને કાચો માલ જપ્ત કરાયો છે તેમજ અત્યાર સુધીમાં રૂ.110 કરોડથી વધુના ખોટા GST રિફંડ શોધી કાઢવામાં આવ્યા છે.
હાલમાં આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલી કંપનીઓ અને વ્યક્તિઓની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે, સાથે જ કુલ કરચોરી અને બોગસ રિફંડની ચોક્કસ રકમ નક્કી કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આગામી સમયમાં નાણાકીય વ્યવહારો અને પુરવઠાની કડીઓ જોડીને સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાયદાકીય અને કર વસૂલાતની કાર્યવાહી વધુ તીવ્ર બનશે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
