<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સોનાનો ભાવ ઘટનાઃ રીસાયકલ કરવાના પ્રમાણમાં પણ ૨૦ ટકા સુધીનો ઘટાડો

લગ્નસરાની ખરીદી દરમિયાન ભાવ ઘટાડો થતા લોકોમાં ઉત્‍સાહ :સતત ભાવ ઘટાડાને કારણે અનેક લોકો હજુ પણ થોભો અને રાહ જુઓના મુડમાં

નવી દિલ્‍હી,તા.૨૧: સોનાના ભાવમાં છેલ્‍લા એક સપ્તાહથી થઈ રહેલા સતત ઘટાડાને કારણે લગ્નસરા માટે રીસાયકલ કરવાના પ્રમાણમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્‍યારે નવી ખરીદી ગ્રાહકો કરી રહ્યા હોવાના કારણે જવેલર્સોમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. જોકે હજુ પણ અનેક લોકો એવા પણ છે કે જેઓ ભાવ ઘટાડાની રાહ જોઇ રહ્યા છે. ત્‍યાર બાદ જ ખરીદી કરે તેવી પણ શકયતા જવેલર્સો દ્વારા વ્‍યકત કરવમાં આવી છે.

સુરતના સોના બજારમાં છેલ્‍લા એક સપ્તાહમાં ૧૨ હજાર કરતા વધુનો ઘટાડો થયો છે. કારણ કે એક સમયે સોનાની લગડીનો ભાવ ૧.૪૧ લાખ રુપિયાથી ઘટીને હાલમાં ૧.૨૮ લાખ રુપિયા પર પહોંચી ગયો છે. તેના કારણે સોનાની જવેલરી લેનારાઓએ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આગામી સપ્તાહથી લગ્નસરા શરુ થાય છે. આ માટે વ્‍યવહાર સાચવવા માટે પહેલા મોટાભાગના લોકો રીસાયકલ કરીને નવી જવેલરી બનાવતા હતા. જ્‍યારે હાલમાં સોનાના ભાવમાં ઘટાડો થવાના લીધે રીસાયકલ થવાના પ્રમાણમાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્‍યારે સોનાના ભાવ વધારો હોવાના લીધે લોકો સોનું રીસાયકલ કરીને જવેલરી બનાવતા હતા. તેમાં માંડ ૨૦થી ૩૦ ટકા લોકો જ નવું સોનું ખરીદતા હતા. જ્‍યારે ભાવ ઘટવાના લીધે હવે નવા સોનાની ખરીદીમાં પ૦ ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. જોકે હજુ પણ અનેક લોકો ભાવ ઘટાડો થાય ત્‍યારે ખરીદી કરવાની રાહ જોઈને બેઠા છે. જેથી ભાવ ઘટાડો થયા બાદ સોનાની ખરીદીમાં ભારે ઉછાળો આવે તેવી પણ શકયતા નકારી શકાય તેમ નથી.

અત્‍યાર સુધી સોનાના ભાવમાં થયેલા ઘટાડા

૧ જાન્‍યુઆરી ૧૯૮૦માં ૧૫ ટકા સુધીનો ઘટાડો થયો હતો

૨ ફેબ્રુઆરી ૧૯૮૩માં ૧૪ ટકા સુધીનો ઘડાડો નોંધાયો હતો

૩ એપ્રિલ ૨૦૧૩માં ૧૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્‍યો હતો

૪ માર્ચ ૨૦૨૦માં ૧૨ ટકા સુધીનો કડાકો ભાવમાં થયો હતો

૫ માર્ચ ૨૦૨૬માં ૧૧ ટકા સુધીનો ઘટાડો એક સપ્તાહમાં થયો હતો

નવેમ્‍બર ૨૦૨૬માં ૯ ટકા સુધીનો ઘટાડો એક સપ્તાહમાં નોંધાયો છે.

સોનાના ભાવમાં એકાદ બે ટકાનો ઘટાડો તો સામાન્‍ય

સોનાના ભાવમાં એકાદ બે ટકા સુધીના ઘટાડા તો સામાન્‍ય થઇ ગયા છે. પરંતુ એક દિવસમાં અથવા તો એક સપ્તાહમાં ૮થી ૧૦ ટકા સુધીનો ઘટાડો થાય ત્‍યારે ખાસ કરીને સોનામાં રોકાણ કરનારાઓ પર આભ તુટી પડયાનો અનુભવ થતો હોય છે. જોકે ભારતમાં હજુ પણ સોનામાં કરવામાં આવેલું રોકાણ સૌથી વધુ સુરક્ષીત માનવામાં આવતું હોવાના લીધે તેમાં થયેલા ઘટાડા બાદ પણ મોટા ભાગના લોકો વેચાણ કરવાના બદલે ખરીદવાનું વધારે પસંદ કરે છે. ફકત સોનામાં રોકાણ કરીને નફો રળનારાઓને જ ભાવ ઘટાડાની સીધી અસર પહોંચતી હોય છે. હાલમાં પણ ભાવ ઘટાડાના કારણે સોનામાં રોકાણ કરીને નફો રળનારાઓને તો રડવાનો વારો આવ્‍યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

(10:22 AM IST)