<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

લગ્નની જીદમાં મોબાઈલ ટાવર પર ચઢી પ્રેમિકાઃ કલાકો સુધી ચાલ્‍યો હાઈ-વોલ્‍ટેજ ડ્રામા

ટાવર પર જઈને પ્રેમીએ પૂર્યું સિંદૂર અને આવ્‍યો સુખદ અંત

જાૈનપુર તા.૧૬: પ્રેમ માટે પાગલપનની અનેક હદો તમે ફિલ્‍મોમાં જોઈ હશે, પરંતુ ઉત્તર પ્રદેશના જાૈનપુર જિલ્‍લામાંથી એક એવી વાસ્‍તવિક ઘટના સામે આવી છે જેણે ફિલ્‍મી કહાનીઓને પણ પાછળ છોડી દીધી છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાના અતૂટ આગ્રહને કારણે એક યુવતી સીધી મોબાઈલ ટાવર પર ચઢી ગઈ, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ. કલાકો સુધી ચાલેલા આ હાઈ-વોલ્‍ટેજ ડ્રામાનો અંત કેવી રીતે આવ્‍યો?

ઉત્તર પ્રદેશના જાૈનપુર જિલ્‍લામાંથી એક ચોંકાવનારી અને ફિલ્‍મી કહાની જેવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્‍તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. પોતાના પ્રેમી પ્રત્‍યેના ગાઢ લગાવ અને તેની સાથે લગ્ન કરવાના અતૂટ આગ્રહને કારણે એક યુવતી મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી, જેના પગલે ઘટનાસ્‍થળે ભારે અફરાતફરી અને લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

ઉત્તર પ્રદેશના જાૈનપુર જિલ્‍લાના બરસથી પોલીસ સ્‍ટેશન હેઠળ આવતા બારીગાંવમાં ૧૫ નવેમ્‍બરના રોજ આ ઘટના બની હતી. મીરગંજ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની રહેવાસી આ યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની માંગ સાથે ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. યુવતીને ટાવર પર જોઈને ગ્રામજનોનાં ટોળેટોળાં ઉમટી પડ્‍યાં હતાં. માહિતી મળતાં જ બરસથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને તેને નીચે ઉતારવા માટે કલાકો સુધી સમજાવટના પ્રયાસો કર્યા હતા. પોલીસની સમજાવટ છતાં યુવતી પોતાની જીદ પર મક્કમ રહી અને સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે જ્‍યાં સુધી તેનો પ્રેમી લગ્ન માટે સંમત નહીં થાય, ત્‍યાં સુધી તે નીચે નહીં ઉતરે.

યુવતીના મક્કમ ઈરાદા સામે પોલીસ અને પ્રેમી પાસે અન્‍ય કોઈ વિકલ્‍પ બચ્‍યો નહોતો. આખરે પ્રેમી પોતે મોબાઈલ ટાવર પર ચઢ્‍યો હતો અને સૌની નજર સામે ટાવરની ટોચ પર જ યુવતીના કપાળમાં સિંદૂર લગાવી દીધું હતું. પ્રેમીએ સિંદૂર લગાવતાની સાથે જ યુવતી ખુશ થઈને ટાવર પરથી નીચે ઉતરી આવી હતી, જેનાથી તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્‍યારબાદ પોલીસ આ યુગલને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્‍ટેશન લઈ ગઈ હતી. મોબાઈલ ટાવર પર ચઢીને સિદૂર લગાવવાની આ અનોખી ઘટના હાલ સમગ્ર જાૈનપુર જિલ્‍લામાં ભારે ચર્ચાનો વિષય બની છે.(૩૮.૨)

(10:13 AM IST)