<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

કબૂતરના દિમાગમાં ઇલેક્ટ્રોડ અને શરીર પર કેમેરા: રશિયન કંપનીનો 'બાયોડ્રોન' વિકસાવવાનો દાવો

2026થી કોમર્શિયલ ઓર્ડર શરૂ કર્યાનો ઉલ્લેખ; 100 કિમી દૂરથી દિશા પ્રભાવિત કરવા અને 10 કલાકથી વધુ ઉડાનનો દાવો

મોસ્કો : રશિયાની ટેકનોલોજી કંપની Neiryએ કબૂતરોને ‘બાયોડ્રોન’ તરીકે વિકસાવવાનો દાવો કર્યો છે, જેમાં કબૂતરોના દિમાગમાં ઇલેક્ટ્રોડ લગાવી પીઠ પર ઇલેક્ટ્રિક બેગ અને છાતી પર નાનો કેમેરો ફિટ કરાય છે, તેમજ કંપનીએ 2026થી રશિયામાં હવાઈ તસવીરો મેળવવા પ્રતિ ચોરસ કિલોમીટર 3 લાખ રૂબલની શરૂઆતની કિંમતે કોમર્શિયલ ઓર્ડર લેવાનું શરૂ કર્યાનું જણાવાયું છે.

 

કબૂતરના દિમાગના ખાસ ભાગોમાં નાના ઇલેક્ટ્રોડ લગાવીને પીઠ પરના બેગમાં રહેલી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે જોડવામાં આવે છે અને GPS સહિતના ઉપકરણો સાથે છાતી પર કેમેરો લગાવીને ઉડાન દરમિયાન નીચેની તસવીરો લેવામાં આવે છે.

 

કંપનીના દાવા મુજબ, દિમાગમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલી 100 કિલોમીટરથી વધુ અંતરેથી પણ કબૂતરની ઉડાનની દિશા પ્રભાવિત કરી શકાય છે અને ઓપરેટર GPS લોકેશન જોઈને માર્ગ નક્કી કરે છે, જોકે ઉડવું અને અવરોધોથી બચવું કબૂતરની કુદરતી ક્ષમતા પર આધારિત રહે છે.

 

Neiryના જણાવ્યા અનુસાર, બાયોડ્રોન કબૂતરોએ લેબની બહાર 100થી વધુ ઉડાન ભરીને 1,000થી વધુ તસવીરો લીધી છે અને સૌથી લાંબી ઉડાન 10 કલાકથી વધુ રહી છે, જ્યારે કુદરતી ઉડાન ક્ષમતાને કારણે મોટર કે મોટી બેટરીની જરૂર પડતી નથી.

 

આ ટેકનોલોજીનો ઉપયોગ વીજળીની લાઇનો, ગેસ વિતરણ કેન્દ્રો, પાઇપલાઇન, શહેરી વિસ્તારો, પર્યાવરણ અને હવાઈ સર્વેમાં થઈ શકે છે, અને ગ્રાહકોને તસવીરો આપતાં પહેલાં AI દ્વારા લોકોના ચહેરા બ્લર કરાતા હોવાનો દાવો કરાયો છે.

(10:10 PM IST)