તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
વેપારીઓ માટે દિવાળી જેવી રાહત: GST નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર : હવે રૂબરૂ સુનાવણી માટે મળશે પૂરી ચાર તકો!
GST કાઉન્સિલની 57મી બેઠકના નિર્ણય બાદ વિભાગે પરિપત્ર 258 જારી કર્યો : નોટિસમાં નાણાકીય વર્ષ મુજબ કર, વ્યાજ અને દંડની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત બનશે : AI જનરેટેડ નોટિસ મોકલતા પહેલા અધિકારીઓએ કરવી પડશે ચકાસણી

નવી દિલ્હી: દેશભરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ તરફથી એક અત્યંત રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે, જેનાથી હવે ટેક્સ નોટિસનો ડર ઘણો ઓછો થઈ જશે. અગાઉ GST રિટર્ન કે અન્ય વિસંગતતાઓ અંગે નોટિસ મળ્યા બાદ વેપારીઓને પોતાનો પક્ષ રજૂ કરવા માટે રૂબરૂ હાજરીની માત્ર એક જ તક આપવામાં આવતી હતી અને જો તેઓ હાજર ન રહી શકે તો વિભાગ એકતરફી નિર્ણય સંભળાવી દેતું હતું. પરંતુ, 8 ઓક્ટોબરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની 57મી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વિભાગે 'પરિપત્ર 258' જારી કર્યો છે, જે અંતર્ગત હવે કોઈપણ કારણોસર નિયત તારીખે હાજર ન રહી શકનાર વેપારીને સુનાવણી માટે વધુમાં વધુ ચાર તકો આપવામાં આવશે, જ્યારે સુનાવણીની તારીખે ત્રણ મુલતવી માંગવાનો જૂનો નિયમ પણ યથાવત રાખવામાં આવ્યો છે.
આ નવા સુધારાઓમાં નોટિસની પારદર્શિતા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વેપારીઓને જવાબ તૈયાર કરવામાં કોઈ અસ્પષ્ટતા ન રહે. અત્યાર સુધી જો વિભાગ દ્વારા ત્રણ નાણાકીય વર્ષોની સંયુક્ત 1 લાખ રૂપિયાની નોટિસ મોકલવામાં આવતી હતી, તો તેમાં કયા વર્ષના કેટલા નાણાં બાકી છે કે તેમાં કર અને વ્યાજનો હિસ્સો કેટલો છે તેનું સ્પષ્ટ વર્ગીકરણ દર્શાવવામાં આવતું ન હતું. હવે નવા નિયમો અનુસાર, GST વિભાગે દરેક નોટિસમાં નાણાકીય વર્ષ મુજબ બાકી લેણાં, કર, વ્યાજ અને દંડનું સંપૂર્ણ અને સ્પષ્ટ વિભાજન આપવું ફરજિયાત રહેશે, જેનાથી વેપારીઓ માટે પોતાનો બચાવ અને હિસાબ રજૂ કરવાનું કામ અત્યંત સરળ બનશે.
આ ઉપરાંત, ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે ભૂલો નિવારવા માટે GST વિભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ઉપયોગ અંગે પણ કડક માર્ગદર્શિકા નક્કી કરી છે. નવા પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો વિભાગ કોઈપણ નોટિસ તૈયાર કરવામાં AI ની મદદ લે છે, તો તે નોટિસ વેપારીને મોકલતા પહેલા અધિકારીઓ દ્વારા તેની સામગ્રી અને તથ્યોની સંપૂર્ણ ચકાસણી કરવી અનિવાર્ય રહેશે. નવેમ્બર મહિનાથી અમલમાં આવેલા આ ફેરફારોથી વિભાગીય કાર્યવાહીમાં પારદર્શિતા આવશે અને નાના-મોટા ઉદ્યોગપતિઓને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણોમાંથી મોટી મુક્તિ મળશે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
