<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

નેહરુના ઐતિહાસિક યોગદાનને ભૂંસી નાખવા માટે દુષ્પ્રચાર : ભાજપની રણનીતિ ક્યારેય સફળ નહીં થાય: જયરામ રમેશ

ભાજપ અને આરએસએસ દ્વારા ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના વારસાને બદનામ કરવામાં આવી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો:લોકોને તર્ક અને તથ્યો સાથે તેનો સામનો કરવા વિનંતી કરી

નવી દિલ્હી: ભાજપ અને આરએસએસ દ્વારા ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના વારસાને બદનામ કરવામાં આવી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આ તેમની એક સુઆયોજિત રણનીતિ છે. પરંતુ તેમની આ રણનીતિ ક્યારેય સફળ નહિ થાય. કારણ કે જવાહરલાલ નહેરૂનો દ્રષ્ટિકોણ એ 'ભારત'ના વિચારનો જ એક ભાગ છે 

નેહરુ મેમોરિયલ યુથ ફેસ્ટિવલ 2026ના સમાપન સત્રને સંબોધિત કરતાં જયરામ રમેશે નેહરુને એક મહાન વડા પ્રધાન અને સંવેદનશીલ સંસ્કારી માનવી ગણાવ્યા. રમેશે આરોપ લગાવ્યો હતો કે નેહરુના ઐતિહાસિક યોગદાનને ભૂંસી નાખવા માટે દુષ્પ્રચાર  કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને તર્ક અને તથ્યો સાથે તેનો સામનો કરવા વિનંતી કરી હતી. 

તેમણે 'નેહરુ આર્કાઇવ્ઝ'નો ઉલ્લેખ કરીને  તિહાસિક દસ્તાવેજોના અભ્યાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ નહેરુને તેમના મૃત્યુના 19 દિવસ પહેલા 'હિંદના જવાહર રહેવા' કહ્યું હતું. રમેશના કહેવા પ્રમાણે, નેહરુ 50 વર્ષ સુધી 'હિંદના જવાહર' રહ્યા. કોંગ્રેસ મહાસચિવે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે નેહરુ વિના બંધારણ સભા અને બંધારણ શક્ય ન હોત. બીઆર આંબેડકરે પણ આ વાત સ્વીકારી હતી.

 

જયરામ રમેશે  નેહરુના અનેક યોગદાનની યાદી આપી હતી. તેમણે કહ્યું કે નેહરુ વિના  આપણી આર્થિક નીતિનો અને  વિદેશ નીતિનો પાયો નાખવો અશક્ય હતું. તેમણે  આરોપ લગાવ્યો કે છેલ્લા 12 વર્ષથી તેમના યોગદાનને ઓછું આંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નેહરુના વારસાને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે તેની સાથે ભાવનાઓથી નહીં  પરંતુ જ્ઞાન અને તથ્યોથી લડવું જોઈએ.

 

(12:11 AM IST)