News of Saturday, 21st November 2026
આજે અમદાવાદમાં દિલજીત ફીવર! ૯૦ હજાર ફેન્સ ઉમટશે
પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ : દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ક્રેઝ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથીઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી યુવાનો અમદાવાદ પહોંચવાના છે

અમદાવાદ,તા.૨૧: અમદાવાદમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૨૧ નવેમ્બરના રોજ મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા ‘Aura India Tour'ના કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડવાના છે. કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ, મેટ્રો તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ વિશેષ વ્યવસ્થા કરી છે. સ્ટેડિયમમાં સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, મેટ્રો ટ્રેનના વધારાના ફેરા, પાર્કિગ અને મેડિકલ સુવિધાઓ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ક્રેઝ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી યુવાનો અમદાવાદ પહોંચવાના છે. એરપોર્ટથી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં કોન્સર્ટને લઈને ચાહકોની અવરજવર વધવાની શક્યતા છે. કાર્યક્રમમાં સેલિબ્રિટીઓની હાજરીને લઈને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.
કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે ૧૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. JCP, DCP, PI સહિતના અધિકારીઓ બંદોબસ્તની દેખરેખ રાખશે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમ તથા આસપાસના વિસ્તારમાં સતત તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, SRPની ૩ ટુકડીઓ, આશરે ૧૫૦૦ પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ્સ અને સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષામાં જોડાશે. સ્ટેડિયમ વિસ્તારમાં ૩૦૦ કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો પણ સક્રિય રહેશે.
દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમના ગેટ બપોરે ૩ વાગ્યે ખોલવામાં આવશે. કોન્સર્ટ રાત્રે ૯:૫૫ વાગ્યે પૂર્ણ થવાનો નિર્ધારિત સમય છે. ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય સ્થિતિ ઊભી ન થાય તે માટે સ્ટેડિયમમાં અલગ કમ્પાર્ટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા, સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવા અને અધિકૃત ટિકિટ સાથે જ પ્રવેશ લેવા અપીલ કરવામાં આવી છે. નકલી ટિકિટોના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સાયબર ટીમ પણ નજર રાખશે.
દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં પંજાબી સંસ્કૃતિની ઝલક જોવા મળશે. કાર્યક્રમ સ્થળે ફ્રી ટર્બન એટલે કે પાઘડી બાંધવાનો કેમ્પ યોજાશે. આ કેમ્પમાં કોન્સર્ટમાં આવતા દર્શકોને મફતમાં પાઘડી બાંધી આપવામાં આવશે, જે કાર્યક્રમના આકર્ષણોમાંનું એક બની રહેશે.
કોન્સર્ટ બાદ મોટી સંખ્યામાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો દ્વારા વિશેષ ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ કોરિડોરસવારે ૬:૨૦થી રાત્રે ૧૧:૩૦ સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે.
મોટેરા સ્ટેડિયમ સ્ટેશનઃ રાત્રે ૧૧:૩૦ વાગ્યે છેલ્લી ટ્રેન ઉપડશે.
ગાંધીનગર કોરિડોરઃ નિયમિત સેવા ઉપરાંત રાત્રે ૧૦:૩૦, ૧૧ અને ૧૧:૩૦ વાગ્યે વધારાની ટ્રિપ્સ દોડશે.
છેલ્લી ટ્રેનઃ રાત્રે ૧૧:૩૦ વાગ્યે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર તરફ રવાના થશે.
કોન્સર્ટમાં આવનારા દર્શકોને ખાનગી વાહનોની સરખામણીએ મેટ્રોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય.
મેટ્રો દ્વારા કોન્સર્ટના દર્શકો માટે રૂ.૫૦ની ખાસ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે. આ ટિકિટ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી બંને કોરિડોરના કાર્યરત સ્ટેશનો સુધી મુસાફરી માટે ઉપયોગી રહેશે.
રાત્રે ૧૧ વાગ્યા સુધી સામાન્ય ટિકિટિગ વ્યવસ્થા લાગુ રહેશે. તેમાં સ્માર્ટ ટોકન, GMRC ટ્રાવેલ કાર્ડ, NCMC કાર્ડ, QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટનો સમાવેશ થાય છે.
જોકે, રાત્રે ૧૧ વાગ્યા પછી અગાઉથી ખરીદેલી રિટર્ન ટિકિટ, QR ટિકિટ અથવા ટોકન માન્ય રહેશે નહીં. તે સમય બાદ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી મેટ્રોમાં પ્રવેશ મેળવવા માટે માત્ર રૂ.૫૦ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે.
સ્ટેડિયમની આસપાસ વાહનોના વ્યવસ્થિત પાર્કિગ માટે કુલ ૧૬ પાર્કિગ પ્લોટ રાખવામાં આવ્યા છે. વાહનચાલકો માટે પાર્કિગ ફી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં દર્શકો આવવાના હોવાથી વાહનચાલકોને સમયસર પહોંચવા અને શક્ય હોય ત્યાં સુધી મેટ્રોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
કોન્સર્ટ દરમિયાન કોઈપણ તબીબી ઇમરજન્સીનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે ૮ એમ્બ્યુલન્સ અને ૫ મેડિકલ ટીમ તૈનાત રહેશે. ભીડના સંચાલન, સુરક્ષા અને ઇમરજન્સી પ્રતિસાદ માટે વિવિધ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેડિયમ વિસ્તારને સુરક્ષિત બનાવવા જરૂરી તપાસ અને સેનેટાઇઝેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
