<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ઓનલાઈન પ્રેમ માટે કેનેડાની મહિલા રાજસ્‍થાન આવી : પણ સપનું રોળાયું

મહિલાની ઉ.૬૧ વર્ષ હોવાની જાણ થતાં યુવકે લગ્નનો ઈનકાર કર્યો : મહિલાએ ભારત સ્‍થિત કેનેડાના દૂતાવાસનો સંપર્ક કર્યો, ત્‍યારબાદ પોલીસે યુવકની ધરપકડ કરી

નીરામણા,તા.૧૬: કેનેડાથી એક મહિલાના હૃદયમાં ફક્‍ત એક જ સપનું હતું કે તે ડેટિગ એપ પર મળેલા પોતાના મિત્ર સાથે લગ્ન કરશે આ સપનું પૂરું કરવા માટે તે ટૂરિસ્‍ટ વીઝા પર ભારત આવી અને રાજસ્‍થાન પહોંચી હતી. પરંતુ બંનેની રૂબરૂ મુલાકાત થઈ ત્‍યારે તેના સપના પર પાણી ફરી વળ્‍યું હતું કેમ કે રાજસ્‍થાનના વ્‍યક્‍તિએ મહિલાની ઉંમરનું કારણ આપીને લગ્ન કરવાનો સ્‍પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

લગ્નને લઈને વિવાદ સર્જાતા મહિલાએ ભારત સ્‍થિત કેનેડાના દૂતાવાસનો સંપર્ક કર્યો હતો અને આખરે દૂતાવાસની સૂચના મળતાં પોલીસે હસ્‍તક્ષેપ કરવો પડયો હતો. આ સમગ્ર ઘટના 'બીબી બિલ્‍ડર્સ સોસાયટી'માં બની હતી. પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલો એવો છે કે, ૧૩ નવેમ્‍બરે સવારે લગભગ ૪ વાગ્‍યે કેનેડિયન એમ્‍બેસી તરફથી માહિતી મળ્‍યા બાદ નીમરાણા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે મહિલા અને તે વ્‍યક્‍તિને પૂછપરછ માટે પોલીસ સ્‍ટેશન લઈ ગઈ હતી. નીમરાણાના એસએચઓ સુરેન્‍દ્ર યાદવના જણાવ્‍યા અનુસાર, હરિયાણાના પાણીપતના રહેવાસી નિતિન લગભગ એક વર્ષ પહેલાં એક ડેટિગ એપ દ્વારા આ કેનેડિયન મહિલાના સંપર્કમાં આવ્‍યો હતો. ધીમે-ધીમે મિત્રતા સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મહિલા ૧૧ નવેમ્‍બરે ટૂરિસ્‍ટ વીઝા પર કેનેડાથી દિલ્‍હી પહોંચી હતી. નિતિન તેને લેવા એરપોર્ટ ગયો હતો અને પછી નીમરાણાની બીબી બિલ્‍ડર્સ સોસાયટીમાં તેના મામા-મામીના ફલેટ પર લઈ આવ્‍યો હતો. મહિલા નિતિન સાથે સોસાયટીમાં બે દિવસ સુધી રહી હતી.

જોકે, લગ્ન અંગે વાતચીત આગળ વધી ત્‍યારે મહિલાની ઉંમર લગભગ ૬૧ વર્ષ હોવાનું સામે આવ્‍યું હતું. આ માહિતી મળ્‍યા પછી નિતિને લગ્ન કરવાનું માંડી વાળ્‍યું હતું, જેના કારણે બંને વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.

હાલમાં પોલીસ નિતિનની પૂછપરછ કરી રહી છે. કેનેડિયન મહિલાને કોટપુતલીના એક કેર સેન્‍ટરમાં મોકલવામાં આવી છે. પોલીસ તેને કેનેડા પાછા મોકલવાની વ્‍યવસ્‍થા પણ કરી રહી છે. મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

(9:53 AM IST)