News of Sunday, 15th November 2026
સંસદમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ વખતે રાહુલ ગાંધીની ગેરહાજરી મુદ્દે ભાજપના પ્રહાર: 'ભારત સમિટ'માં હાજરીને લઈને રાજકીય ઘમાસાણ
આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે સંસદ ભવનમાં આયોજિત પુષ્પાંજલિ સમારોહમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના ટોચના નેતાઓની હાજરી વચ્ચે રાહુલ ગાંધી હૈદરાબાદના કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા ભાજપે કોંગ્રેસની આદિવાસી નીતિ અને સમિટના એજન્ડા પર ગંભીર સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી: આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને 'આદિવાસી ગૌરવ દિવસ' નિમિત્તે દેશના રાજકારણમાં નવો વિવાદ છેડાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, સંસદ ભવનમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજર રહેવાને બદલે તેઓ હૈદરાબાદમાં આયોજિત "ભારત વિરોધી સમિટ"માં હાજરી આપવા ગયા હતા. સંસદ પરિસરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, પરંતુ આ મહત્વપૂર્ણ અવસરે રાહુલ ગાંધીની ગેરહાજરીને ભાજપે રાજકીય મુદ્દો બનાવી દીધો છે.
ભાજપના રાષ્ટ્રીય મીડિયા સંયોજક આશિષ ઉષા અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સંસદના શ્રદ્ધાંજલિ સમારોહની તસવીરો શેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, જે પક્ષ અને નેતા પોતાને આદિવાસી અધિકારોના સૌથી મોટા હિમાયતી અને તેમનો અવાજ ગણાવે છે, તેઓ જ જ્યારે સમગ્ર દેશ બિરસા મુંડાને નમન કરી રહ્યો હતો ત્યારે ગેરહાજર રહ્યા. અગ્રવાલે સવાલ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી માટે દેશના મહાન આદિવાસી નાયકને શ્રદ્ધાંજલિ આપવા કરતાં હૈદરાબાદની સમિટમાં જવું કેમ વધુ જરૂરી બની ગયું હતું?
બીજી તરફ, ભાજપે હૈદરાબાદમાં તેલંગાણા સરકાર અને કોંગ્રેસના સમર્થનથી યોજાયેલી 'ભારત સમિટ'ના હેતુ અને તેમાં સામેલ મહેમાનો સામે પણ ગંભીર વાંધો ઉઠાવ્યો છે. ભાજપના આક્ષેપ મુજબ, આ સમિટમાં ભારતીય લોકશાહી અંગે થયેલી ચર્ચાઓનો એજન્ડા શંકાસ્પદ છે અને તેમાં ભાગ લેનારા કેટલાક લોકો જ્યોર્જ સોરોસ-સમર્થિત નેટવર્ક સાથે જોડાયેલા છે, જેઓ અગાઉ પણ ભારત વિરોધી નિવેદનો આપી ચૂક્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આદિવાસી સન્માન અને રાષ્ટ્રહિતના મુદ્દે ફરી એકવાર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
