<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

નડાબેટ બોર્ડર તરફથી 30 જવાનો સાથે આવતી આર્મીની ગાડી, ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત: ચાર જવાનોને ઇજા

બનાસકાંઠાના ડીસા નજીક બનાસ નદીના પુલ પર એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક પસાર થતી બનાસ નદીના પુલ પર આજે એક ગંભીર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આર્મીની ગાડી, ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ જોરદાર ટક્કરને કારણે પુલ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર તરફથી આર્મીની એક ગાડી ડીસા તરફ આવી રહી હતી. આ વાહનમાં ડ્રાઈવર સહિત કુલ 30 આર્મી જવાનો સવાર હતા. જ્યારે આ ગાડી ડીસાના બનાસ નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક ટ્રેક્ટર અને ટ્રેલર સાથે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકોના ટોળેટોળા તાત્કાલિક ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

આ ત્રિપલ અકસ્માતમાં આર્મીની ગાડીમાં સવાર 4 જવાનોને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદરૂપ બનીને ઈજાગ્રસ્ત જવાનોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ગાડીમાં સવાર અન્ય જવાનોનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

(1:51 PM IST)