News of Saturday, 14th November 2026
‘ટ્રમ્પ સાથેની કોઈપણ ડીલ પર ભરોસો કરવો નકામો’: નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લિટ્ઝનું મોટું નિવેદન
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટ (HTLS) 2026માં વૈશ્વિક અર્થતંત્ર અને ચીનની વધતી તાકાત પર વિશેષ ચર્ચા; અમેરિકાની વ્યાપાર નીતિ અને યુરોપિયન યુનિયનની નબળાઈ પર પણ સાધ્યું નિશાન.

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણ, ઉદ્યોગ અને અર્થતંત્રના દિગ્ગજોના મહાકુંભ સમાન ‘હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટ’ (HTLS) 2026ના ત્રીજા દિવસે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. જોસેફ ઈ. સ્ટિગ્લિટ્ઝે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક વ્યાપાર નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. અર્થા ગ્લોબલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. નિરંજન રાજાધ્યક્ષ સાથેની ખાસ વાતચીતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલા કોઈપણ કરાર કે ડીલ પર ભરોસો રાખવો સંપૂર્ણપણે નકામો છે.
ટ્રમ્પ સાથેનો કરાર કાગળના ટુકડા સમાન
સમિટ દરમિયાન ટ્રમ્પની વ્યાપાર નીતિઓ પર સવાલ ઉઠાવતા ડો. સ્ટિગ્લિટ્ઝે જણાવ્યું હતું કે, “ટ્રમ્પ સાથે થયેલી ડીલ એ કાગળના ટુકડા જેટલી પણ કિંમત નથી ધરાવતી, જેના પર તે લખવામાં આવી હોય.” તેમણે અમેરિકા અને યુરોપ વચ્ચેના વ્યાપાર કરારનું ઉદાહરણ આપતા કહ્યું કે કરાર પર હસ્તાક્ષર થઈ ગયા પછી પણ ટ્રમ્પે ડિજિટલાઇઝેશન જેવા મુદ્દાઓ પર અચાનક નવા વિવાદો ઊભા કરવાનું શરૂ કરી દીધું હતું.
યુરોપિયન યુનિયન (EU)ની ભૂમિકા અંગે તેમણે ટિપ્પણી કરી હતી કે યુરોપનું અર્થતંત્ર અમેરિકા કરતા મોટું હોવા છતાં, યુરોપિયન દેશોમાં પરસ્પર એકતાનો અભાવ જોવા મળ્યો. આદર્શ સ્થિતિમાં યુરોપે મજબૂતીથી વાટાઘાટો કરવી જોઈતી હતી, પરંતુ તેમની નબળાઈનો ફાયદો ઉઠાવી ટ્રમ્પે એક પછી એક દેશો પર દબાણ વધાર્યું. અમેરિકાના ઘટતા મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, “કોફી પર ટેક્સ લગાવવાથી અમેરિકામાં કોફીની ખેતી શરૂ નથી થઈ જવાની, કારણ કે ત્યાંનું વાતાવરણ જ તેના અનુકૂળ નથી.”
ચીનની આર્થિક તાકાત અને બદલાતા વૈશ્વિક સમીકરણો
દુનિયાની બદલાતી વ્યવસ્થા પર પ્રકાશ પાડતા ડો. સ્ટિગ્લિટ્ઝે કહ્યું કે વિશ્વ હવે બહુધ્રુવીય (મલ્ટિપોલર) બની રહ્યું છે. આશરે એક દાયકા પહેલાં પરચેઝિંગ પાવર પેરિટી (PPP) ના આધારે ચીનની જીડીપી અમેરિકાને પાછળ છોડી ચૂકી હતી, પરંતુ પોતાની છબી જાળવી રાખવા અમેરિકાએ ક્યારેય આ વાતનો પ્રચાર ન કર્યો. અમેરિકા માટે એ સ્વીકારવું મુશ્કેલ બની રહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ સહિત અનેક ક્ષેત્રોમાં તેનું કદ હવે ચીન કરતા ઘણું નાનું થઈ ગયું છે.
જોકે, ચીનની આર્થિક નીતિઓ અંગે પણ તેમણે મહત્વનું સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા ૩૦ વર્ષમાં ચીને અકલ્પનીય પ્રગતિ કરી છે, પરંતુ હવે તેણે પોતાનું આર્થિક મોડેલ બદલવાની સખત જરૂર છે. ચીને માત્ર નિકાસ અને મેન્યુફેક્ચરિંગ પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક માંગ વધારવા, હેલ્થકેર જેવી પાયાની સુવિધાઓ સુધારવા અને નાગરિકો માટે બહેતર શહેરોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
દિગ્ગજોનો જમાવડો અને સમિટની વિશેષતા
‘નવા નિયમો, નવી વાસ્તવિકતાઓ’ની થીમ પર આયોજિત ૨૪મી હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને બદલાતા વિશ્વના પડકારો પર મંથન થઈ રહ્યું છે. આ સમિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ નોએલ ટાટા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, ફિલ્મ નિર્દેશક ઈમ્તિયાઝ અલી અને અભિનેત્રી અનન્યા પાંડે સહિતની અનેક જાણીતી હસ્તીઓ પણ સહભાગી થઈ રહી છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
