તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 29th November 2026
અમેરિકા : લોસ એન્જલસના મેનહટન બીચ નજીક 5.0ની તીવ્રતાના ભૂકંપ બાદ શેવરોન ઓઈલ રિફાઈનરીમાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડા ઉઠતા દોડધામ : જુઓ વિડીયો
શનિવારે સવારે આવેલા આંચકા બાદ 45 મિનિટમાં 3.7ની તીવ્રતા સહિત 19 આફ્ટરશોક્સ નોંધાયા : રિફાઈનરીમાં ઓટોમેટિક સેફ્ટી ફ્લેરિંગ સક્રિય થતા ગેસ બળવા લાગ્યો : ફાયર ડિપાર્ટમેન્ટ ‘અર્થક્વેક મોડ’ પર રહી તમામ 106 સ્ટેશનોની ટીમોને તપાસમાં જોતરી

લોસ એન્જલસ : અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં મેનહટન બીચના દરિયાકાંઠે શનિવાર 28 નવેમ્બર 2026ની સવારે શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યા બાદ તરત જ એલ સેગુંડો સ્થિત શેવરોનની ઓઈલ રિફાઈનરીમાંથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા ઉઠતા ભારે ફફડાટ ફેલાયો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા મુજબ, સ્થાનિક સમય અનુસાર સવારે અંદાજે 9:30 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મેનહટન બીચથી 3.7થી 4 માઈલ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને જમીનથી 7.5 માઈલની ઊંડાઈએ નોંધાયું હતું. શરૂઆતમાં આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી, જેને બાદમાં સત્તાવાર રીતે સુધારીને 5.0 જાહેર કરવામાં આવી હતી.
મુખ્ય ભૂકંપ આવ્યા બાદ માત્ર 45 મિનિટની અંદર જ યુએસજીએસ દ્વારા 19 જેટલા આફ્ટરશોક્સ નોંધવામાં આવ્યા હતા, જેમાં સવારે 10:01 વાગ્યે આવેલા 3.7ની તીવ્રતાના શક્તિશાળી આંચકાનો પણ સમાવેશ થાય છે. ભૂકંપની ઘટના બાદ લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ (LAFD) દ્વારા તાત્કાલિક ‘અર્થક્વેક મોડ’ સક્રિય કરવામાં આવ્યો હતો અને શહેરના માળખાગત બાંધકામોની તપાસ માટે તમામ 106 ફાયર સ્ટેશનોના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
બીજી તરફ, ભૂકંપના આંચકાને કારણે લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટ (LAX) નજીક આવેલી શેવરોન એલ સેગુંડો રિફાઈનરીમાં બિનઆયોજિત સુરક્ષા પ્રક્રિયા એટલે કે અનપ્લાન્ડ સેફ્ટી ફ્લેરિંગ સક્રિય થતા આકાશમાં આગની જ્વાળાઓ અને કાળો ધુમાડો જોવા મળ્યો હતો. આ અંગે એલ સેગુંડો ફાયર ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે ઓટોમેટિક ફ્લેરિંગ સિસ્ટમ વધારાના ગેસને બાળીને પ્રોસેસિંગ યુનિટ્સનું દબાણ ઘટાડવાનું કામ કરે છે, જે એક સુરક્ષાત્મક પગલું છે. હાલમાં ફાયર વિભાગની ટીમો સ્થળ પર રહીને હવાની ગુણવત્તા અને સુરક્ષા પર સતત દેખરેખ રાખી રહી છે.
સંભવિત આફ્ટરશોક્સને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ નાગરિકોને સતત સાવચેતી અને તૈયારી રાખવા સલાહ આપી છે. તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ, જો ધ્રુજારી ચાલુ રહે તો તાત્કાલિક ઘૂંટણિયે બેસી જવું, કાચથી દૂર રહીને કોઈ મજબૂત આશ્રય નીચે માથા અને ગરદનનું રક્ષણ કરવું અને સ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી પકડી રાખવું. વધુમાં, નાગરિકોને યુએસજીએસ અર્થક્વેક હેઝાર્ડ્સ પ્રોગ્રામ, કેલ ઓઈએસ (Cal OES) અને સ્થાનિક કટોકટી સેવાઓ દ્વારા અપાતી સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અનુરોધ કરાયો છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
