News of Saturday, 14th November 2026
ભારતમાં ગંભીર બીમારીઓ અને મોત પાછળ હવાનું ‘પ્રદૂષણ' જવાબદાર...
હવા પ્રદૂષણની સ્વાસ્થ્ય પર અસર ફક્ત શ્વસન રોગો સુધી સિમિત નથીઃ હૃદય રોગ, ડાયાબિટીસ, ગર્ભાવસ્થા સાથે જોડાયેલી જટિલતાઓ, બાળકોના વિકાસમાં અડચણો, ટયૂમર, રક્ત સંબંધિત વિકારો, માનસિક અને ન્યૂરોકોગ્નિટિવ ડિસઓર્ડર જેવી અનેક સમસ્યાઓનું કારણ

નવી દિલ્હી,તા.૧૪: સમગ્ર ભારતમાં હવા પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થતી અસરોની તપાસ કરનારા ૧૮૦થી વધુ અભ્યાસોના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેમાંથી ૯૧ ટકાથી વધુ અભ્યાસોમાં હવા પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ હોવાની વાત કરવામાં આવી છે.
૧૯૭૫ અને ૨૦૨૫ વચ્ચે પ્રકાશિત થયેલા આ અભ્યાસોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હવા પ્રદૂષણની સ્વાસ્થ્ય પર અસર ફક્ત શ્વસન રોગો સુધી સિમિત નથી પરંતુ તે હૃદય રોગ, ડાયાબિટીસ, ગર્ભાવસ્થા સાથે જોડાયેલી જટિલતાઓ, બાળકોના વિકાસમાં અડચણો, ટ્યૂમર, રક્ત સંબંધિત વિકારો, માનસિક અને ન્યૂરોકોગ્નિટિવ ડિસઓર્ડર જેવી અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે
આજે જાહેર કરવામાં આવેલા આ વિશ્લેષણ સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ક સ્વતંત્ર સંશોધન સંસ્થા છે જે હવા પ્રદૂષણના વલણો, કારણો અને સ્વાસ્થ્ય અસરો તેમજ ઉકેલો જાહેર કરવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ૧૮૦ અભ્યાસોમાંથી, ફક્ત ૪૦ અભ્યાસોએ ગ્રામીણ વસ્તી પર વાયુ પ્રદૂષણની અસરની તપાસ કરી હતી, જેમાંથી ૩૮ અભ્યાસોએ ઓછામાં ઓછું એક પ્રતિકૂળ સ્વાસ્થ્ય સંબંધ હોવાનું જણાવ્યું હતું, જે દર્શાવે છે કે હવા પ્રદૂષણની આરોગ્ય અસરો ફક્ત શહેરી વિસ્તારો સુધી મર્યાદિત નથી.
તેના સિવાય સ્વાસ્થ્ય અને હવા પ્રદૂષણ વચ્ચે સંબંધની તપાસ કરનારા મોટાભાગના અભ્યાસો દિલ્હી (૨૬)માં કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની પછી પંજાબમાં ૧૩, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૧૧-૧૧, પヘમિ બંગાળમાં ૧૦, તમિલનાડુમાં ૯, કર્ણાટકમાં ૮ અને તેલંગણામાં ૭ અભ્યાસ કરવામાં આવ્યા છે.
એક નિવેદનમાં સીઆરઈએના વિશ્લેષક મનોજ કુમારે જણાવ્યું હતું કે, આ તારણો શહેર-કેન્દ્રિત અભિગમથી આગળ વધવાની જરૂરિયાતને પ્રકાશિત કરે છે અને રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમના આગામી તબક્કામાં પ્રાદેશિક, એરશેડ-આધારિત અભિગમ દ્વારા ગ્રામીણ વિસ્તારોને સ્પષ્ટપણે સામેલ કરે છે.
અભ્યાસોમાં વાયુ પ્રદૂષકોની કેટેગરીની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસોમાં હવા પ્રદૂષણના અનેક ગંભીર અસરોના પુરાવા મળ્યા છે. જેમાં મૃત્યુદરમાં વધારો, શ્વાસ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ થવા અથવા ઈમરજન્સી વિભાગમાં દાખલ થવાની જરૂર પડવી, અસ્થમાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું અને ફેફસાની કાર્યશક્તિમાં ઘટાડો થવા વગેરેનો સમાવેશ થાય છે.
કુમારે કહ્યું હતું કે , વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે એક એવી રણનીતિ અપનાવવી જોઈએ જેનાથી અનેક કણોને એકસાથે ઘટાડી શકાય. આ માટે ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ, ઘરોમાં રસોઈ બનાવવી અને અન્ય દહન પ્રવૃત્તિઓ સહિત મુખ્ય સ્ત્રોતોથી થતા ઉત્સર્જન ઘટાડવાની જરૂર છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
