<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

બલુચિસ્તાન બાદ હવે PoKમાં ભડકો: જાનબાઝ ફોર્સનું પાકિસ્તાની સેના સામે ખુલ્લું યુદ્ધનું એલાન

રાવલકોટના ગરાલા ગામના ભૂતપૂર્વ સૈનિક ગાઝી શહઝાદના નેતૃત્વમાં સશસ્ત્ર જૂથની 'ઈંટનો જવાબ પથ્થરથી' આપવાની ચીમકી

રાવલકોટ : બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા બાદ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પણ આંતરિક બળવાની આગ ભભૂકી ઉઠી છે. PoK ના રાવલકોટ વિસ્તારમાં 'જાનબાઝ ફોર્સ' નામના સશસ્ત્ર જૂથે પાકિસ્તાની સેના સામે સીધા યુદ્ધની ઘોષણા કરતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શનો વચ્ચે થયેલી આ જાહેરાતથી પાકિસ્તાન સામે એક નવો અને ગંભીર સુરક્ષા પડકાર ઉભો થયો છે.

આ સશસ્ત્ર બળવાનું નેતૃત્વ ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિક ગાઝી શહઝાદ કરી રહ્યો છે, જે PoK ના પૂંછ જિલ્લાના ગરાલા ગામનો વતની છે. જાનબાઝ ફોર્સ એ PoK માં સક્રિય 'તહરીક-એ-તહફુઝ-એ-જમ્મુ-ઓ-કાશ્મીર' સંગઠનની સશસ્ત્ર પાંખ છે. જૂથે પાકિસ્તાની સેનાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શાંતિપૂર્ણ વિરોધીઓ સામે કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ 'ઈંટના બદલામાં પથ્થરથી જવાબ' આપશે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

પાકિસ્તાનના વિવિધ પ્રદેશોમાં રાજકીય અધિકારો, સ્થાનિક સ્વાયત્તતા અને જાહેર માંગણીઓ મુદ્દે લાંબા સમયથી ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો પાકિસ્તાન સરકાર અને સેના લોકોના આક્રોશ તથા રાજકીય માંગણીઓને અવગણીને માત્ર બળપ્રયોગનો જ સહારો લેશે, તો પરિસ્થિતિ વધુ બેકાબૂ બની શકે છે. હાલ પાકિસ્તાન સામે માત્ર સુરક્ષા જાળવવાનો જ નહીં, પરંતુ રાજકીય સંવાદ દ્વારા જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પણ મોટો પડકાર ઉભો થયો છે.

આ ઘટનાના મૂળમાં મે 2023 માં જાનબાઝ ફોર્સની રચના જોડાયેલી છે, જેની જાહેરાત બાદ ગાઝી શહઝાદની આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, જૂન 2024 માં તે રાવલકોટ જિલ્લા જેલમાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો અને હવે ફરી સક્રિય થઈને સેનાને પડકાર ફેંકી રહ્યો છે. હાલમાં સમગ્ર PoK માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને યુદ્ધની આ ચીમકી બાદ પાકિસ્તાની સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તથા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

(11:59 PM IST)