News of Sunday, 22nd November 2026
જામનગરમાં એસીબીનું મોટું ઓપરેશન: ક્લોઝ થયેલું ઈન્કમટેક્સ એસેસમેન્ટ ઓડિટ માટે ફરી ન ખોલવા રૂ. ૮ લાખની લાંચ લેતા અમદાવાદ ઓડિટ ભવનના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયા રંગેહાથ ઝડપાયા
જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ગોહિલ અને રાજકોટ એકમના ફીલ્ડ પીઆઈ આર.કે. સોલંકીની ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સાઈનબોર્ડ પાસે આરોપીની કારમાં જ છટકું ગોઠવીને લાંચની પૂરેપૂરી ૮ લાખની રકમ રિકવર કરી

રાજકોટ : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એ આજે ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જામનગરમાં એક સફળ છટકું ગોઠવીને અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવન (પીડી સેન્ટ્રલ) માં ફરજ બજાવતા ક્લાસ-બી આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO) વિનસકુમાર અમરચંદ સાવરીયા (ઉંમર વર્ષ ૪૪) ને રૂ. ૮,૦૦,૦૦૦ની મસમોટી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જામનગર-રાજકોટ હાઈવે રોડ પર ઈન્કમટેક્સ ઓફિસની બાજુમાં ત્રિમંદિર જવાના સાઈનબોર્ડ પાસે આરોપીની કારમાં જ આ ટ્રેપ પાર પાડવામાં આવી હતી અને લાંચની પૂરેપૂરી ૮ લાખની રકમ રિકવર કરવામાં આવી છે.
ક્લોઝ થયેલ એસેસમેન્ટ રીઓપન ન કરવા માંગી હતી લાંચ:
આ સમગ્ર મામલાની વિગતો મુજબ, એક જાગૃત નાગરિક (ફરિયાદી) ની ઓફિસના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ભરવામાં આવેલા ઈન્કમટેક્સ રિટર્નની ક્વેરીનું નિરાકરણ અગાઉ થઈ ગયું હતું અને તે એસેસમેન્ટ ક્લોઝ થઈ ગયું હતું. આ ક્લોઝ થયેલા એસેસમેન્ટને ઓડિટ માટે ફરીથી રીઓપન નહીં કરવાના અવેજ પેટે આરોપી આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર સાવરીયાએ ફરિયાદી પાસે રૂબરૂમાં રૂ. ૮,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.
જામનગર અને રાજકોટ એસીબીની સંયુક્ત કાર્યવાહી:
ફરિયાદીની ફરિયાદના આધારે આજે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર ઈન્કમટેક્સ ઓફિસની બાજુમાં આવેલા ત્રિમંદિર જવાના બોર્ડ પાસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી વિનસકુમાર સાવરીયાએ પોતાની કારમાં ફરિયાદી સાથે વાતચીત કરીને રૂ. ૮,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી અને જેવી તેમણે આ રકમ સ્વીકારી કે તરત જ એસીબીની ટીમે તેમને દબોચી લીધા હતા. આ સફળ ટ્રેપ જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા જામનગર એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, જેમાં રાજકોટ એસીબી એકમના ફીલ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. સોલંકી તથા તેમની કચેરીના સ્ટાફે મદદરૂપ થઈને કામગીરી બજાવી હતી.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
