<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

વ્લાદિમીર પુતિનને 'મિત્ર' ગણાવવા પર PM મોદીને ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવે આડેહાથ લીધા! કહ્યું, 'એ તમને અને આખા દેશને વેચી નાખશે'

વાતચીત બાદ PM મોદીએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને પુતિનને પોતાના 'મિત્ર' ગણાવ્યા: રશિયા સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર મૂક્યો હતો ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 'મિત્ર' ગણાવતા કરેલી એક ટ્વીટ પર વિશ્વના ભૂતપૂર્વ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. કાસ્પારોવે મોદીને ચેતવણી આપતા કહ્યું છે કે પુતિન તેમને અને સમગ્ર ભારતને પોતાના શાસનને એક કલાક પણ લંબાવવા માટે વેચી નાખશે.

વાસ્તવમાં, શુક્રવારે (8 ઑગસ્ટ)ના રોજ PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં બંને નેતાઓએ ભારત અને રશિયાના દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ વાતચીત બાદ PM મોદીએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને પુતિનને પોતાના 'મિત્ર' ગણાવ્યા.

PM મોદીની પોસ્ટ:
"મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ જ સારી અને વિગતવાર વાતચીત થઈ. યુક્રેન પર ચાલી રહેલા નવીનતમ ઘટનાક્રમ વિશે જાણકારી આપવા બદલ મેં તેમનો આભાર માન્યો. અમે અમારા દ્વિપક્ષીય એજન્ડામાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી અને ભારત-રશિયાની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. હું આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરવા ઉત્સુક છું."

ગેરી કાસ્પારોવનો જોરદાર જવાબ:
પુતિનના આકરા વિવેચક રહેલા ગેરી કાસ્પારોવે PM મોદીની આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું, "તમારા મિત્ર વ્લાદિમીર પુતિન? એ નરસંહારના યુદ્ધ અપરાધી છે? તમારા એવા મિત્ર, જે તમને અને સમગ્ર ભારતીય રાષ્ટ્રને પોતાના તાનાશાહીને એક કલાક પણ લંબાવવા માટે ગમે ત્યારે વેચી નાખશે? આવા મિત્રો હોય તો લોકશાહીની શું જરૂર છે? ટ્રમ્પ એક જોકર છે, પણ કંઈક સારા માટે ઊભા રહો."

કાસ્પારોવની આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યુઝર્સ ભારતના રશિયા સાથેના સંબંધોનું સમર્થન કરતા જોવા મળ્યા, જ્યારે અન્યોએ કાસ્પારોવના નિવેદન પર સવાલો ઉઠાવ્યા. એક યુઝરે કહ્યું કે ભારત પોતાની વિદેશ નીતિ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે, કોઈ બહારના લોકોના કહેવા પર નહીં.

 

(11:39 PM IST)