News of Saturday, 9th August 2025
ICICI સેવિંગ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રૂા.પ૦,૦૦૦ રાખવુ ફરજીયાત!
નવા નિયમો મુજબ મેટ્રો અને અર્બન વિસ્તારોની બ્રાંચના ખાતાઓમાં રૂ.૫૦,૦૦૦ મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ રાખવું ફરજીયાત કરવામાં આવ્યું : નવા નિયમો ૧ ઓગસ્ટ ૨૦૨૫ કે તેના બાદથી ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ પડશે

મુંબઈઃ દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે એક મોટો નિર્ણય લીધો છે, જેની અસર હજારો એકાઉન્ટ હોલ્ડર પર થઈ શકે છે. ICICI બેંકે ખાતામાં મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ(MAB)માં વધારો કર્યો છે.
MAB માંધરખમ વધારોઃ
નવા નિયમો મુજબ મેટ્રો અને અર્બન વિસ્તારોની બ્રાંચના ખાતાઓમાં રૂ.૫૦,૦૦૦ મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ રાખવું ફરજીયાત કરવામાં આવ્યું છે, તેનાથી ઓછી MAB હશે તો પેનલ્ટી વસુલવામાં આવશે. અગાઉ ઓછામાં ઓછી રૂ.૧૦,૦૦૦ MAB રાખવી ફરજીયાત હતી, હવે તેમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે
સેમી અર્બન બ્રાંચના ખાતાઓ માટે MAB અગાઉ રૂ. ૫,૦૦૦ હતી, જેને વધારીને હવે રૂ. ૨૫,૦૦૦ કરવામાં આવી છે. રૂરલ બ્રાંચના ખાતાઓમાં અગાઉ MAB રૂ. ૨,૫૦૦ હતી જે હવે વધારીને રૂ. ૧૦,૦૦૦ કરવામાં આવી છે.
આ એકાઉન્ટ હોલ્ડર્સને લાગુ પડશે નિયમઃ
નવા નિયમો ૧ ઓગસ્ટ ૨૦૨૫ કે તેના બાદથી ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ પડશે. જૂના ખાતા ધારકો માટે MAB અગાઉ મુજબ જ રહેશે.
આટલી પેનલ્ટી લાગશેઃ
જે ખાતા ધારકો MAB જાળવી નહીં શકે તેને શોર્ટફોલના ૬ ટકા અથવા ૫૦૦ રૂપિયા, જે ઓછું હોય એ પેનલ્ટી ફટકારવામાં આવશે.
આ નિયમોમાં પણ ફેરફારઃ
બ્રાંચમાં જઈને કેસ ડીપોઝીટ કરાવવાના નિયમોમાં પણ ICICI બેંકે ફેરફાર કર્યા છે. હવે સેવિંગ એકાઉન્ટમાં મહિનાની અંદર ત્રણ વાર રોકડ જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે, પણ ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર રૂ.૧૫૦ વસુલવામાં આવશે. કોમ્પ્લિમેન્ટરી ડીપોઝીટની લિમીટ દર મહિને કુલ રૂ. ૧ લાખ સુધીની રહેશે. ત્યારબાદ, દર રૂ. ૧,૦૦૦ એ રૂ. ૩.૫ અથવા રૂ. ૧૫૦ જે પણ વધારે હોય તે વસુલવામાં આવશે.
ICICI બેન્કે જણાવ્યું હતું કે દરેક ટ્રાન્ઝેક્શન માટે ૨૫,૦૦૦ રૂપિયાની થર્ડ પાર્ટી કેશ ડિપોઝિટ લીમીટ લાગુ પડે છે. ચેક રિટર્ન આઉટવર્ડ (ગ્રાહક દ્વારા જમા કરાયેલ ચેક) માટે દરેક ઇન્સ્ટન્સ પર ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવશે. ચેક રિટર્ન ઇનવર્ડ (ગ્રાહક દ્વારા જાહેર કરાયેલ ચેક) માટે દરેક ઇન્સ્ટન્સ પર ૫૦૦ રૂપિયા વસૂલવામાં આવશે.
આ વર્ષે એપ્રિલ ૨૦૨૫માં, ICICI બેંકે તેના સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો દ્યટાડો કર્યો હતો.
એકાઉન્ટ હોલ્ડરને મોટો ઝટકોઃ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ વર્ષ ૨૦૨૦ માં મિનિમમ બેલેન્સ નિયમ રદ કર્યા હતાં. મોટાભાગની અન્ય બેંકોમાં મિનિમમ બેલેન્સ સામાન્ય રીતે રૂ. ૨,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ ની વચ્ચે હોય છે, ત્યારે ICICI બેંકે આ વધારો કરીને ખાતા ધારકોને મોટો ઝટકો આપ્યો છે.
નોંધનીય વાત એ છે કે ગયા અઠવાડિયે કન્દ્રીય નાણા મંત્રાલયે સંસદમાં માહિતી આપી હતી કે પબ્લિક સેક્ટરની બેંકો (PSBs) એ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૪-૨૫માં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન MAB જાળવી ન શકેલા ખાતા ધારકો પાસેથી પેનલ્ટી તરીકે લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આ આંકડો દર્શાવે છે કે દેશના લોકો ખતામાં પુરતી સેવિંગ જમા કરાવવા અક્ષમ છે. ત્યારે ICICI બેંકે લાગુ કરેલા નિયમોની શું અસર થશે એ જોયુ રહ્યું.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
