News of Saturday, 9th August 2025
અમેરિકા કે બીજા કોઈ દેશની મધ્યસ્થતાનું સ્વાગત છે
પાકિસ્તાન ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપી રહ્યું છેઃ વિવાદનો મધપૂડો છંછેડયો : પાકિસ્તાને કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે અમેરિકા કે અન્ય કોઈ પણ દેશની મદદનું સ્વાગત કરશે

ઈસ્લામાબાદ, તા.૯: ભારતના અમેરિકા સાથેના ટેરિફ વિવાદ વચ્ચે, પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ લાવવા માટે અમેરિકા કે કોઈ પણ અન્ય દેશની મદદનું સ્વાગત કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને તેમની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે તેમનો દેશ રાજદ્વારી માર્ગ અપનાવવા માંગે છે, પરંતુ નિર્ણય ભારત પર નિર્ભર છે. ભારતનું સ્પષ્ટ વલણ એ છે કે પાકિસ્તાન સાથે ફક્ત PoK અને આતંકવાદના મુદ્દા પર જ વાતચીત થશે.
પત્રકારોએ તેમને કાશ્મીર મુદ્દામાં અમેરિકાના હિત વિશે પ્રશ્ન પૂછયો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તેમનો દેશ કાશ્મીર વિવાદના ઉકેલ માટે અમેરિકા અથવા અન્ય કોઈપણ દેશની મદદનું સ્વાગત કરશે, જે આ પરિસ્થિતિને સ્થિર કરવા માટે અને આ વિવાદને ઉકેલવા માટે પગલા લઈ શકે છે. ૧૯૭૨માં બંને દેશો વચ્ચે થયેલા શિમલા કરારમાં પણ કાશ્મીર મુદ્દા પર કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીને નકારી કાઢવામાં આવી હતી.
જયારે પ્રવક્તાને મે મહિનામાં થયેલા ચાર દિવસના સંઘર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ સંપર્ક વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આવો કોઈ સંપર્ક થયો નથી. તેમણે એમ પણ કહ્યું કે અમે આ મુદ્દાના ઉકેલ માટે બંને પક્ષો સાથે કામ કરવાની અમેરિકાની ઉત્સુકતાનું સ્વાગત કરીએ છીએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે પાકિસ્તાનની સમગ્ર રાજદ્વારી સ્થિતિ જગજાહેર છે. તેમણે કહ્યું, અમે રાજદ્વારી માર્ગ અપનાવવા માંગીએ છીએ, પરંતુ નિર્ણય ભારતીય પક્ષે લેવાનો છે. હાલ, અમારા બંને પક્ષો વચ્ચે સમાન્ય રાજદ્વારી સંપર્ક સિવાય બીજી કોઈ વાતચીત નથી થઈ.
ભારત વારંવાર સ્પષ્ટ કરી ચુકયું છે કે તે પાકિસ્તાન સાથે માત્ર પાકિસ્તાન ઓકયુપાઇડ કાશ્મીરની વાપસી અને આતંકવાદના મુદ્દા પર જ વાતચીત કરશે. પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં આતંકવાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનથી ફેલાતા આતંકવાદનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે. તેમણે યૂક્રેન સંઘર્ષમાં પાકિસ્તાની નાગરિકોની સંડોવણીના આરોપોને ૅપાયાવિહોણૉ ગણાવીને ફગાવી દીધા અને કહ્યું કે યૂક્રેનિયન અધિકારીઓએ આ મુદ્દે પાકિસ્તાન સાથે ઔપચારિક રીતે સંપર્ક નથી કર્યો.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
