<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશની આર્થિક વૃદ્ધિ ધીમી પડી: GDP ગ્રોથ 5.4 ટકા રહ્યો

નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 6.7 ટકા રહ્યો હતો

નવી દિલ્હી :નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ધીમો પડ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 5.4 ટકા રહ્યો છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં 8.1 ટકા હતો.

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 6.7 ટકા રહ્યો હતો. આર્થિક બાબતોના નિષ્ણાતોના મતે કન્ઝપ્શન સ્તરે નબળી સ્થિતિ તથા મહત્વના ક્ષેત્રોમાં પ્રતિકૂળ સ્થિતિ ઉપરાંત દેશમાં ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિની દેશના GDP વૃદ્ધિ પર અસર જોવા મળી છે.


સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ નિષ્ણતોના મતે ઘણો નબળો રહ્યો છે. આર્થિક બાબતોના નિષ્ણાતોના મતે અગાઉથી આ બાબત અપેક્ષિત હતી. અલબત મોટાભાગના નિષ્ણાતો GDP વૃદ્ધિ 6 ટકાથી 6.5 ટકા રહે તેવી શક્યતા ધરાવતા હતા. આ ઉપરાંત RBIએ પણ GDP 7 ટકા આસપાસ રહે તેવા અનુમાન દર્શાવ્યા હતા.


રિયલ ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) આર્થિક એક્ટિવિટી માપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્તમાન નાણકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળામાં તેણે 5.6 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે આ મોરચે 7.7 ટકા વૃદ્ધિ હતી. તેનો અર્થ એવો થયો કે વાર્ષિક આધાર બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક પ્રવૃત્તિઓ એકંદરે સુસ્ત રહી છે. નોમિનલ GVA ગ્રોથ પણ વાર્ષિક ધોરણે 9.3 ટકાની તુલનમાં ઘટીને 8.1 ટકા થયો છે.

(8:40 PM IST)