<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

સંભલમાં ડ્રોનથી ચાંપતી નજરઃ જુમ્‍માની નમાઝ, સાથોસાથ સુપ્રીમમાં સુનાવણીઃ ૧૨ કંપની તૈનાતઃ મસ્‍જીદમાં ૨૦ સીસીટીવી

કેમેરા મુકાયાઃ મુરાદાબાદમાં પણ ભારે બંદોબસ્‍ત

ઉત્તરપ્રદેશ : સંભલ જિલ્લામાં જામા મસ્‍જિદમાં સરવે દરમિયાન હિંસા બાદ પોલીસ તંત્ર ભારે સાવચેત છે. આજે શુક્રવારની નમાઝને લઈને જબરો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. ગઈકાલે ગુરૂવારે પોલીસે મસ્‍જિદ નજીકના વિસ્‍તારોમાં ફ્‌લેગ માર્ચ કરી હતી.

પોલીસ-પ્રશાસનના અધિકારીઓ જમીનથી આકાશ સુધી ચાંપતી નજર રાખી રહ્યા છે. કોઈ પણ વ્‍યક્‍તિ જામા મસ્‍જિદમાં કડક સુરક્ષા ચેકિંગ વિના નમાઝ પઢવા માટે પ્રવેશ કરી શકશે નહીં.

અધિકારીઓએ શહેરના મૌલાનાઓને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે.

ઉપરાંત શહેરને ૧૮ સેક્‍ટરમાં વહેંચીને મેજિસ્‍ટ્રેટ તૈનાત કરવામાં આવ્‍યુ છે. પોલીસ દળ ઉપરાંત આઠ કંપની પીએસી અને એક બટાલિયન આરએએફ તૈનાત કરવામાં આવી છે.

સાવચેતીના પગલા તરીકે, જુમ્‍માની નમાઝનું સલામત રીતે થઈ જાય તે માટે સાવચેતીના ભાગરૂપે જામા મસ્‍જિદમાં ૨૦ સીસીટીવી કેમેરા પણ સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે. તાજેતરમાં, પોલીસે આઠ કેમેરા લગાવ્‍યા હતા પરંતુ હંગામા દરમિયાન  તેને તોડી નાખ્‍યા હતા. હવે સુરક્ષા માટે ૨૦ નવા કેમેરા લગાવવામાં આવ્‍યા છે. નમાઝ પહેલા સમગ્ર મસ્‍જિદ વિસ્‍તાર પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.

મુરાદાબાદ શહેરને ૧૦ ઝોન અને ૪૩ સેક્‍ટરમાં વહેંચવામાં આવ્‍યું છે. જામા મસ્‍જિદ સહિત તમામ મસ્‍જિદોમાં અને તેની આસપાસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

દરમિયાન મસ્‍જિદ સમિતિએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં નીચલી કોર્ટના સર્વે ઓર્ડરને પડકારવામાં આવ્‍યો છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે નીચલી કોર્ટના નિર્ણય પર તાત્‍કાલિક રોક લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસની બેંચ શુક્રવારે આ મામલે સુનાવણી કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં એક બાજુ શાહી જામા મસ્‍જિદનું પ્રબંધન છે, જ્‍યારે બીજી બાજુ હરિશંકર જૈન છે. મુસ્‍લિમ પક્ષે ચીફ જસ્‍ટિસ સંજીવ ખન્ના પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે આ એક અસાધારણ કેસ છે, તેથી કોર્ટે અસાધારણ પગલાં લેવા જોઈએ.

(12:03 PM IST)